Vadodara

વડોદરા : VMCની કામગીરી,અમદાવાદ એક્સપ્રેસવે તરફ જતો રસ્તો બંધ કરવામાં આવશે,7 લાખ લોકોને એક ટાઈમનું સાંજનું પાણી નહીં મળે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઈન નાખવા,જોડાણ કરવા કામગીરી કરાશે.ત્યારે આ કામગીરીને લઈને આગામી તારીખ 22 અને 23 ના રોજ લોકોને અસર વર્તાશે સાથે જ અમદાવાદ એક્સપ્રેસવે તરફ જતો રસ્તો પણ બંધ કરવામાં આવનાર છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઈન નાખવા માટે ખોદકામ અને નવી લાઈનનું મહી નદી ખાતેથી આવતી પાણીની લાઈન સાથે તેનું જોડાણ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના લીધે તારીખ 22 અને 23 ના રોજ અમદાવાદ એક્સપ્રેસ-વે તરફ જતો અને આવતો રસ્તો બંધ કરવામાં આવશે. તારીખ 25 ના રોજ લાઈન જોડાણની કામગીરીને લીધે આશરે 7 લાખ લોકોને એક ટાઈમનું સાંજનું પાણી નહીં મળે. શહેરના સમા નોર્થ હરણી વિસ્તારમાં ઊર્મિ સ્કૂલ ચાર રસ્તા-અબેકસ સર્કલથી નોર્થ હરણી પાણીની ટાંકી સુધી 24 ઇંચ ડાયામીટરની પાણીની લાઈન નાખવાની છે. મહારાણા પ્રતાપ રોડથી સમા તરફ-અબેકસ સર્કલ જતા ફીડર લાઈન સાથે જોડાણ માટે રોડ ક્રોસ કરવા ખોદકામ કરાશે.

તારીખ 22 અને 23 ના રોજ ઊર્મિ બ્રિજથી એક્સપ્રેસવે અમદાવાદ તરફ જતો રસ્તો અને અમદાવાદ એક્સપ્રેસવેથી અમિતનગર સર્કલ તરફ જતો રસ્તો બંધ રાખવામાં આવશે. જેથી આ રોડ પર વાહન વ્યવહાર થઈ શકશે નહીં.આ કામગીરી થયા બાદ નવી નાખેલી લાઈનનું અબેકસ સર્કલ પાસેથી પસાર થતી મહી નદીના ફ્રેંચ કુવા રાયકા દોડકાની આશરે 54 ઇંચ ડાયામીટરની લાઈન સાથે તેનું જોડાણ કરાશે. આ કામ તારીખ 25 ના રોજ કરવામાં આવશે. જેના લીધે 9 પાણીની ટાંકી અને 10 બુસ્ટરને સીધી અસર થશે. જે પૈકી આજવા ટાંકી, નોર્થ હરણી, નાલંદા, ગાજરાવાડી, કારેલીબાગ, પાણી ગેટ, જેલ ટાંકી ,લાલબાગ અને સયાજી બાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાશે. આ ટાંકી હેઠળના 10 બુસ્ટર જે પૈકી એરપોર્ટ, દરજીપુરા, વારસિયા, ખોડીયાર નગર, બકરાવાડી, નવી ધરતી, વ્હીકલ પુલ ,જૂની ગઢી, સાધના નગર અને સંખેડા દશા લાડ બુસ્ટરને તારીખ 25 મી સાંજે પાણી નહીં મળે. આ બધા વિસ્તાર હેઠળની આશરે સાત લાખની વસ્તીને સાંજના પાણીથી વંચિત રહેવું પડશે. જ્યારે આ જ વિસ્તારમાં તારીખ 26 ના રોજ સવારના ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી અને મોડેથી થોડા સમય માટે અપાશે.

Most Popular

To Top