Vadodara

વડોદરા : VMCની કચરાની છોટાહાથી ગાડીએ એકટીવા સવારને હવામાં ફંગોળ્યા

ચાલકે પુરઝડપે ગાડી દોડાવતા ભાઈલાલ અમીન હોસ્પિટલના કર્મચારીને અડફેટે લીધા, ગંભીર ઇજાઓ પહોંચતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં જ દાખલ કરાયો

વડોદરા તારીખ 7
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારી એક્ટિવા લઈને ઘરે જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની છોટાહાથી ગાડીએ તેમને અડફેટે લઈને હવામાં ફંગોળ્યા હતા. જેમાં તેઓ રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ થવા સાથે આબાદ બચાવ થયો હતો. હાલમાં તેમને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરાયા છે. તેઓએ વીએમસીની છોટાહાથી કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મધર સ્કૂલ ની પાછળ જલારામ નગરમાં રહેતા અમિતભાઈ રજનીકાંત પંડયા ભાઈલાલ અમીન હોસ્પિટલમાં 15 વર્ષથી મેડિકલ વિભાગમાં નોકરી કરે છે.ગત 5 જુલાઈના રોજ એકટીવા લઈને નોકરી પર ગયા હતા અને નોકરી પૂર્ણ કરી ભાઈલાલ અમીન હોસ્પિટલથી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ભાઈલાલ અમીન હોસ્પિટલમાંથી સામે જવા માટે એકટીવા લઈ રસ્તો ક્રોસ કરતા હતા. તે વખતે ગોરવા આઈટીઆઈ તરફથી એક વીએમસી કચરાની છોટા હાથી ગાડી નંબર- GJ-06-BT-6486ના ચાલકે પુરઝડપે ચલાવી એકટીવાને પાછળના ભાગે ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમા ભાઈલાલ અમીન હોસ્પિટલના કર્મચારીને છાતી, હાથના કોણીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે ઘટના સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. 108 એમ્બ્યુલન્સ કોઈએ બોલાવી લેતા ઇજાગ્રસ્ત અમિતભાઈ પંડ્યાને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડાયા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ થઈ હોય હોસ્પિટલમાં વોર્ડ નંબર – 4 માં દાખલ કરાયા છે. વીએમસીની કચરાની છોટા હાથી ગાડીના ચાલક વિરુદ્ધ અમિતભાઈ પંડ્યાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે વારંવાર અકસ્માત થવાના કારણે પોલીસ તંત્ર શહેરમાં બેફામ વાહન દોડાવતા ચાલકો પર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

Most Popular

To Top