યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી વહેલી તકે નિમણૂક કરવા યુ.જી.સી ની તાકીદ :
એમ એસ યુ સહિતની ચાર સ્ટેટ યુનિવર્સિટી અને 6 યુનિવર્સિટી ની પણ લોકપાલની નિમણૂકમાં ઉદાસીનતા :
UGC યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન દ્વારા ગત વર્ષે દેશની તમામ યુનિવર્સિટીઓએ લોકપાલની નિયુક્તિ કરીને વેબસાઈટ પર તેની વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. યુજીસીએ કરેલી જાહેરાતને એક વર્ષ થવા છતાં હજી સુધી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજ્યની ચાર અને દેશની 108 સ્ટેટ યુનિવર્સિટી ઉપરાંત રાજ્યની 6 સહિત કુલ 47 થી વધુ ખાનગી યુનિવર્સિટીઓએ આ પ્રકારની કોઈ પણ નિયુક્તિ જ કરી નથી. યુજીસી દ્વારા ફરી એક વાર આ તમામ યુનિવર્સિટીઓને તાકીદે લોકપાલની નિમણૂક કરવા તાકીદ કરવામાં આવી છે.
યુનિવર્સિટીઓમાં થતા વિવાદો અને ફરિયાદોના ઉકેલ માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે. અનેક કિસ્સાઓમાં ફરિયાદ માટે યોગ્ય પ્લેટફોર્મ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે. આ સ્થિતિ નિવારવા યુજીસી દ્વારા એક વર્ષ પહેલાં દરેક યુનિવર્સિટીઓમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર અને છ માસ પહેલા લોકપાલની નિયુક્તિ કરવા તાકીદ કરવામાં આવી હતી. યુજીસી દ્વારા આ પ્રકારની તાકીદ કરવામાં આવ્યા પછી હાલની સ્થિતિ એવી છે કે, દેશની મોટાભાગની એટલે કે 108 સ્ટેટ યુનિવર્સિટીએ આવી કોઈપણ પ્રકારની નિયુક્તિ કરવાની તસ્દી પણ લીધી નથી. આ જ રીતે 47 પ્રાઇવેટ યુનિવર્સિટી અને 2 ડિમ્ડ યુનિવર્સિટીએ પણ આ પ્રકારની કોઈ વ્યવસ્થા કરી નથી. તાજેતરમાં યુજીસી દ્વારા ફરીવાર તમામ યુનિવર્સિટીઓને પત્ર મોકલીને કઈ કઈ યુનિવર્સિટીએ હજી સુધી આ પ્રકારના સેલ અને લોકપાલની નિમણૂક કરી નથી તેવી વિગતો જાહેર કરી છે. એટલુ જ નહીં આગામી દિવસોમાં વહેલી તકે આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા તાકીદ પણ કરાઈ છે.
આમ કરવામાં ન આવે તો યુજીસી દ્વારા કડક કાર્યવાહી કરાશે તેવી ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે. યુજીસીની સુચના પછી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીને કોઈપણ સ્થિતિમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા રીડ્રેસલ સેલની રચના કરીને તેના માટે નોડલ ઓફિસરની નિમણૂક કરીને તમામ વિદ્યાર્થી વાલીઓને તેની જાણકારી મળી શકે તે માટે વેબસાઈટ પર મૂકવા પણ સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં કોમન એક્ટ લાગુ થયા પછી પણ સ્ટેટ યુનિવર્સિટીઓ યુજીસીની સૂચના પ્રમાણે કામગીરી ન કરી. પરંતુ સરકારે સૂચના આપવા છતાં હજી સુધી આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી નથી.