એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે તસ્કર કંડારાયા, 75 હજારનું નુક્સાન પહોંચાડ્યું
વડોદરા તા.5
વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસેના એસબીઆઇ બેન્કના એટીએમમાં બે તસ્કરો ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા. તેઓ મશીન તોડીને અંદર રૂપિયા કાઢી શક્યા ન હતા. પરંતુ મશીનને 75 હજારનું નુક્સાન પહોચાડ્યું હતું. તસ્કરોનો એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. જોકે ચોરી કરવાના આવેલા બે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
કારેલીબાગની આર્કોન અભયમ સોસાયટીમાં આશન્સાબેન તિલકરજન તાલુકદાર (ઉ.વ.૩૩) વૃંદાવન ચાર પાસે આવેલી એસબીઆઈ.બેન્કની બ્રાંચમાં બે વર્ષથી બેન્ક મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમની વૃંદાવન ચાર રસ્તા વાળી બ્રાંચનું એ.ટી.એમ પુનમ કોમ્પલેક્ષ પાસે યુદાવન કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલું છે. 4 એપ્રિલના રોજ મોડી રાત્રીના સમયે આ એટીએમમાં તસ્કરો ચોરી કરવાના ઇરાદો ઘુસ્યા હતા અને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ એ.ટી.એમ.નુ મેઇન ડોર કોઇ સાધન વડે તોડી તેની અંદર રાખવામાં આવેલ પાસવર્ડનું બટન, ડીવાઇસ, ડિજટલ લોક તથા મશીન સાથેના વાયરો તોડી નાખ્યા હતા. પરંતુ મશીન ખુલ્યુ ન હતું. જોકે એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં એક બાઇક પર બે શખ્સો કંડારાઇ ગયા હતા. તસ્કરોએ પહેલા આવીને એટીએમ નજીક ઉભા રહ્યા હતા ત્યારબાદ આસપાસમાં રેકી કરી હતી અને પછી એટીએમ રૂમમાં ઘુસ્યા હતા. તસ્કરોથી મશીનમાંથી રૂપિયા કાઢી તો શક્યા ન હતા પરંતુ 75 હજારનું નુકસાન પહોંચાડ્યું હતુ. જેથી પાણીગેટ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.