અરજદારોને મેસેજ અને ફોન દ્વારા જાણ કરવામાં આવી :
200 થી વધુ એપોઈન્ટમેટ રીશિડયુલ કરવામાં આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા આરટીઓ કચેરીમાં ફરી એક વખત અરજદારોને હાલાકી વેઠવાની ફરજ પડી છે. જીસ્વાન નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો. આશરે 200થી વધુ એપોઇમેન્ટને રીશીડ્યુઅલ કરવામાં આવી છે. આ સમસ્યાને પગલે અરજદારોને મેસેજ અને ફોન દ્વારા જાણ કરી દેવામાં આવી હતી. જોકે આ મેસેજ નહીં વાંચનાર અરજદારો કચેરીએ પહોંચતા ફોગટ ફેરો પડ્યો હતો.


સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં પણ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓમાં છાશવારે સર્વરના ધાંધિયા સર્જાતા હોય છે. જેના કારણે અગત્યના કામકાજ છોડી લાઇસન્સ ટેસ્ટ સહિતની કામગીરી માટે આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે ફરી એક વખત વડોદરા આરટીઓ કચેરીમાં નેટ કનેક્ટિવિટી ગતરોજ બપોર બાદ ખોરવાઈ હતી. જે બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જીસ્વાન નેટ કનેક્ટિવિટી ખોરવતા ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે એપોઇન્ટમેન્ટ મેળવેલા અરજદારો અટવાયા હતા. નોંધનીય છે કે આ નેટ કનેક્ટિવિટી ખોરવાવાના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. સર્વર ડાઉન થયા બાદ અરજદારોને આરટીઓ કચેરી દ્વારા મેસેજ અને કોલ મારફતે જાણ કરવામાં આવી હતી અને તેઓની સાથે જ તેમની એપોઇન્ટમેન્ટ પણ રીશીડ્યુઅલ કરવામાં આવી હતી જ્યારે સર્વર કનેક્ટિવિટી શરૂ થતા જ અરજદારોને ફરીથી જાણ કરવામાં આવશે. આરટીઓ જે.કે.પટેલે જણાવ્યું હતું કે, કનેક્ટિવિટીમાં એરર આવી રહી છે આ બાબતે અરજદારોને મેસેજ થ્રુ અને ફોનથી જાણ કરવામાં આવી છે તેમજ તમામ એપોઇન્ટમેન્ટ કરી છે.
