RTOમાં નવી ટેકનોલોજી વિકસાવવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની તબક્કાવાર કામગીરી હાથધરાઈ :
જીસ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે પાછલા એક મહિનામાં 8 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ હતી.
( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વડોદરાની દરજીપુરા RTO કચેરી ખાતે અવાર નવાર ટેકનિકલ ઇસ્યુના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થવાથી અરજદારોને ઘણી હાલાકી વેઠવી પડી રહી હતી. જોકે , હવે અરજદારોને ધક્કા ખાવા નહીં પડે. સમગ્ર રાજ્ય સહિત વડોદરા RTOમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી ટૂંક સમયમાં અરજદારોને તેનો લાભ મળી રહેશે.

વડોદરા શહેરના છેવાડે દરજીપુરા RTO ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી દક્ષિણ – પશ્ચિમ વિસ્તારના તથા નજીકના ગામોમાંથી લોકો લાંબુ અંતર કાપીને કચેરી પહોંચતા હોય છે. પરંતુ, છાશવારે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાય છે. જીસ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે પાછલા એક મહિનામાં 8 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ હતી. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર ટેકનોલોજી જોઈએ તેટલી સફળકારક નહીં નિવડતા લોકોને આ સમસ્યાથી છુટકારો અપાવવા ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓમાં નવી ટેકનોલોજી વિકસાવવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની તબક્કાવાર કામગીરી હાથ ધરાઇ છે. હવે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી શરૂ થઈ છે. હાલ ટ્રેક આસપાસ AI બેઝ સેન્સર તથા કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. નવી ટેક્નોલોજીમાં માનવીય હસ્તક્ષેપ નહિવત્ રહેતા ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે તથા આ સિસ્ટમ ઓનલાઇન અને ઓફલાઈન બંને મોડ પર કાર્યરત રહેતી હોવાથી સર્વર બંધ થાય તો પણ ટેસ્ટિંગ પ્રક્રિયા અટકશે નહીં તદુપરાંત હાલમાં મર્યાદિત સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે. જ્યારે નવી સિસ્ટમમાં માર્કિંગ સિસ્ટમ અમલી બનશે તેમ જાણવા મળે છે. બે દિવસથી બંધ ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા પુનઃ શરૂ થતા અરજદારોને રાહત મળશે. પાછલા બે દિવસથી ફરી ડેટા ફેચની એરર ઉદ્ભવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અને અંદાજિત 500થી વધુ અરજદારોના ટેસ્ટ રિ – શિડયુલ કરવાની નોબત આવી હતી.

ગતરોજ બુધવારે સર્વર ફરી શરૂ થતા રિ – શિડયુલ તથા ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારો RTO કચેરી ખાતે ઉમટી પડતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વાહનોની લાંબી કતારો સાથે ભારે ઘસારો જોવા મળ્યો હતો. અને સાંજ સુધીમાં ટુ-વ્હીલરના 207 અને ફોર વ્હીલરના 152 ટેસ્ટ થયા હતા. નોંધનીય છે કે, અવારનવાર સર્જાતી આ ટેકનિકલ ખામીને કારણે અરજદારોને ઘણી હાલાકી બેટરી પડી રહી હતી અને તેમના કીમતી સમયનો વેડફાટ પણ થઈ રહ્યો હતો. ત્યારે હવે આરટીઓમાં પણ નવી ટેકનોલોજી વિકસાવવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની તબક્કાવાર કામગીરી હાથ ધરાઇ છે. જેથી અરજદારોને હવે આ સમસ્યા પોતાના કામો માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે.