નવી પેન્શન નીતિ,ખાનગીકરણ સહિતના પ્રશ્ને ઉગ્ર સુત્રોચાર પોકાર્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણની આગેવાની હેઠળ નવાયાર્ડ ઇલેક્ટ્રિક લોકો શેડ ખાતે કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પડતર પ્રશ્ને ઉગ્ર સુત્રોચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભારતીય રેલ્વેના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને કેન્દ્ર સરકારને અનેક વખત બેઠકો,આંદોલન, રેલી તથા સભા યોજી પોતાના પડતર પ્રશ્નોને સરકારના કાને પોંહચે તે માટે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જોકે, આજ દિન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવતા આખરે ફરી એક વખત વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણના અધ્યક્ષ સ્થાને વડોદરાના ઇલેક્ટ્રિક લોકો શેડ, નવાયાર્ડ ખાતે જંગી જાહેર સભામાં યોજવામાં આવી હતી. જેમાં રેલ કર્મચારીઓનાં જવલંત મુદ્દાઓ જેવાકે નવી પેન્શન નીતિ હટાવી, જૂની પેન્શન યોજના અમલી કરો, ખાનગીકરણ, રેલ્વેમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા જેવા વિવિધ પ્રશ્નોને લઈ ઉગ્ર સુત્રોચાર સાથે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. નવી પેન્શન યોજના રદ કરો રદ કરોનાં નારા સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ- વડોદરા દ્વારા જંગી સભા યોજી એનપીએસ તેમજ વિવિધ મુદ્દાઓ ને લઈ દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં રેલવેના કર્મચારીઓ જોડાયા હતા.