Vadodara

વડોદરા : MSU મા વિશાળ વૃક્ષ કડડભૂસ, બાઈક દબાઈ, ત્રણ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા

યુનિવર્સીટીનું મેનેજમેન્ટ ખાડે ગયું, સત્તાધીશોના પાપે વિદ્યાર્થીના જીવને પણ જોખમ : નિખિલ સોલંકી

જોખમી રીતે ઉભા રહેલા વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી કરવી ખૂબ જરૂરી બની….

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કેમ્પસની પાછળ આવેલ પ્રતાપગંજ વિસ્તારના બહાર નીકળવાના ગેટ પાસે આજે વહેલી સવારે એક વિશાળ વૃક્ષ તૂટી પડ્યું હતું. તેની નીચે એક મોટરસાયકલ દબાઈ ગઈ હતી. તથા એકટીવા પર જતી ત્રણ વિદ્યાર્થીનીઓને પણ સામાન્ય ઈજા થવાનો બનાવ બન્યો હતો.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં અનેક વિશાળ વૃક્ષો આવેલા છે. જેમાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ટ્રીમિંગ સહિતની કામગીરી કરવામાં નહીં આવતા યુનિવર્સિટી કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. હાલમાં ચોમાસાની ઋતુ છે અને વરસાદી પવન ફુકાઈ રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં વિશાળ વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ સર્જાઇ રહી છે. જેમાં આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રતાપગંજ વિસ્તાર સ્થિત પાછળના ગેટ પાસે ગુલમોહરનું એક વિશાળ વૃક્ષ ધરાશયી થયું હતું. જેમાં વૃક્ષની નીચે સિક્યુરિટી જવાન દ્વારા પાર્ક કરવામાં આવેલ નવી નક્કોર મોટરસાયકલ દબાઈ ગઈ હતી. જ્યારે એકટીવા પર સવાર ત્રણ યુવતીઓને પણ નાની મોટી ઈજા થવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશોએ કેમ્પસમાં જોખમી રીતે ઉભા રહેલા વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે.

વિદ્યાર્થી અગ્રણી નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે, MSUનું મેનેજમેન્ટ તદ્દન ખાડે ગયું છે, વિદ્યાર્થીઓના હિત માટે નહીં પોતાના સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે. એક તરફ સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ માટેનો મુદ્દો ગરમાયો છે. ત્યાં હવે યુનિવર્સીટીમાં આવતા વિદ્યાર્થીઓના માથે હવે સત્તાધીશોના પાપે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. યુનિવર્સીટીની યુનિટ બિલ્ડીંગ થી આગળ ના મુખ્ય ગેટ પાસે એક વિશાળ વૃક્ષ તૂટી પડ્યું હતું. જેની નીચે એક બાઈક દબાઈ ગઈ અને ત્યાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓ પણ બચી ગઈ, જો કોઈ મોટી ઘટના બનત તો જવાબદાર કોણ ?

Most Popular

To Top