પરીક્ષાના માર્ક્સ જાહેર નહિ કરાતા વિદ્યાર્થીઓનો વિરોધ :
NSUI પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની પોલીસે કરી અટકાયત :
( પ્રતિનિધિ ) વડોદરા તા.9
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ બીબીએની પરીક્ષા લેવાય હતી અને ગતરોજ તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ પરિણામના માર્ક્સ જાહેર નહીં કરવામાં આવતા વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બીબીએમાં લેવાયેલી પરીક્ષા ના પરિણામો જાહેર કરવામાં નહીં આવતા એનએસયુઆઈ ના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનોએ બીબીએ ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો બંદોબસ્તમાં ખડકાઈ ગયો હતો. તેવામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચાર કરતા પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના માર્કસ ડિક્લેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના સત્તાધીશો ભ્રષ્ટાચાર કરે છે અને પૈસાના તોલે એડમિશન આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગફલતો કરવામાં આવી રહી છે અને પૈસાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. NSUIની એક જ માંગ છે કે, વિદ્યાર્થીઓના માર્કસ ડિક્લેર કરવામાં આવે.
બીબીએ ફેકલ્ટીનું સંચાલન કરતા સત્તાધીશે જણાવ્યું હતું કે, બીબીએ નો એન્ટ્રન્સ ટેસ્ટ જે હોય છે એ 100 માર્ક નો હોય છે. અને બે સ્ટેજમાં હોય છે. તો અમારે ત્યાં પહેલા જે વિદ્યાર્થીઓ બેસે છે. એમાંથી મેરીટ ડિકલેર કરી દીધું. જે શોર્ટ લિસ્ટમાં છે એ આગળ બીજા સ્ટેજના એક્ઝામમાં જશે. જે 700 વિદ્યાર્થીઓ આવ્યા છે. એમાંથી 200 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાના છે. એમાંથી પણ સાડી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ બહાર જશે. કોવિડ ના સમયે અમે ફક્ત એન્ટ્રન્સ એક્ઝામ લીધી હતી. એનું જે પરિણામ આવ્યું હતું એના માર્ક્સ આપ્યા હતા. કારણ કે એક જ પરીક્ષા હતી. બીજો વિભાગ હતો નહીં, પણ હાલ આ એક્ઝામ બે ભાગોમાં થાય છે. એટલે વિદ્યાર્થીઓને સમજાવ્યા છે કે, પૂરેપૂરી એક્ઝામ પૂર્ણ થઈ જાય ત્યાર પછી માર્કસ ડિકલેર કરવામાં આવશે. અડધે થી માર્ક્સ આપી ન શકાય. ગવર્મેન્ટે જે અમને ટાઈમ લાઈન આપી છે. એ પ્રમાણે અમે ફોલો કરીએ છીએ અને જે વિદ્યાર્થી આજે હાજર નથી એ કાલે આવશે તો પણ અમે એને એલાઉ કરીશું.