ગુ.વિધાનસભાના સભ્ય અને રાવપુરાના ધારાસભ્યનું નિવેદન :
બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે યુનિવર્સીટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે : બાળુભાઈ શુક્લ
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં કોમન લાગુ થયા બાદ સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને વડોદરાની રાવપુરા વિધાનસભાના ધારાસભ્યએ અગત્યનું નિવેદન આપ્યું હતું.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ રેલી રૂપે ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે વાઇસ ચાન્સેલર પર રાજકીય દબાણ આવતા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવાસીટીના પ્રવેશના સંદર્ભમાં જે તે વખતે અમારા સાંસદ ડો.હેમાંગ જોશી સાથે રહીને અમે તમામ ધારાસભ્યએ મળી વાઈસ ચાન્સેલર સાથે સંપૂર્ણ ચર્ચા થઈ હતી અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે વડોદરામાં જે બાકી રહેલા વિદ્યાર્થીઓ છે તે તમામને એમ.એસ.યુનિવર્સીટીમાં પ્રવેશ મળે તે માટે યુનિવર્સીટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છીએ તેમ જણાવ્યું હતું.