વીસીએફની સ્થાનિક વિદ્યાર્થીઓને 40 % સુધી પ્રવેશ આપવાની માંગણી :
પ્રતિષ્ઠિત નાગરિકો,પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ બિનરાજકીય લોકો વડોદરા સીટીઝન ફોરમના નેજા હેઠળ જોડાયા :
એમ.એસ.યુનિવર્સીટીનો કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40 % સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો,પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ જેવા બિનરાજકીય લોકો વડોદરા સીટીઝન ફોરમના નેજા હેઠળ મંગળવારે વાઈસ ચાન્સેલરને સંબોધી પીઆરઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસયુ દ્વારા વીસી ડો.પ્રો.વિજયકુમાર શ્રીવાસ્તવના તઘલગી નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોઈ અને એમાંય વળી રાજકીય રમતો રમાતા ફાઈટ ફોર એમએસયુ ગ્રુપ વેર વિખેર થઈ ગયું હતું. જે બાદ વીસીએફ એટલેકે વડોદરા સીટીઝન ફોરમની રચના કરવામાં આવી જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપવી છે. તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવો જોડાયા છે.
થોડા સમય પહેલા પણ વીસીએફ દ્વારા 200 વિદ્યાર્થીના ટોળાં સામે વીસી દ્વારા કરવામાં આવેલા રાયોટિંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો. ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમ.એસ.યુનિવર્સીટીનો કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40 % સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો,પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ જેવા બિનરાજકીય લોકો જેમાં ધીરુભાઈ મિસ્ત્રી,કીર્તિભાઈ પરીખ,અમર ઢોમસે, વીરેન રામી, ઋત્વિજ જોષી, અમીબેન રાવત,નરેન્દ્ર રાવત સહિત પૂર્વ વિદ્યાર્થીઓ વડોદરા સીટીઝન ફોરમના નેજા હેઠળ યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઉગ્ર સુત્રોચાર પોકારી પીઆરઓ હિતેશ રાવીયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.