Vadodara

વડોદરા : MSUમાં ફરી વિવાદ, અંગ દઝાડતી ગરમીમાં ચાલુ પરેડે સિક્યુરિટી જવાનની તબિયત લથડી

કાળઝાળ ગરમીમાં સિક્યુરિટી જવાનોને પરેડની તાલીમ કેટલી યોગ્ય ?

હાજર અધિકારી દ્વારા સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર આપવાની તસ્દી પણ ન લેવાઈ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીમાં સત્તાધીશોએ કાળઝાળ ગરમીમાં સિક્યુરિટી જવાનોને પરેડ કરાવતા એક સિક્યુરિટી જવાની તબિયત લથડી હતી. જોકે તાલીમ આપી રહેલા પ્રવીણ બારોટ અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર આપવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી.

વડોદરામાં ગરમીના તાપમાનનો પારો ઊંચે ગયો છે. ત્યારે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ખાનગી સિક્યુરિટીના જવાનો પાસેથી ભર બપોરે પરેડ કરાવવામાં આવી રહી છે. આ દરમિયાન ખાનગી સિક્યુરિટીમાં ફરજ બજાવતા નિવૃત પોલીસ કર્મચારી જે પોતાને યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર ગણાવી રહ્યા છે તેવા પ્રવીણ બારોટ દ્વારા સિક્યુરિટી જવાનોને ભર બપોરે તડકામાં તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન સવારની પાળીમાં ફરજ પૂર્ણ કરીને પરેડમાં હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ ભરતભાઈની એકાએક તબિયત લથડી હતી. જેઓને પરેડ બહાર બેસાડી દેવામાં આવ્યા હતા પણ તેઓની મેડિકલ સારવાર કરવાની તસ્દી પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લેવામાં આવી ન હતી. જેથી કર્મચારીની તબિયત લથડવાને કારણે પરેડમાં હાજર રહેલા અન્ય સિક્યુરિટી જવાનોમાં નારાજગી જોવા મળી હતી. સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર કરાવવાની વાતે પ્રવીણ બારોટ એ પણ આંખ આડા કાન કર્યા હતા અને તમામ દોષનો ટોપલો યુનિવર્સિટીના ઓએસડી એસ.કે.વાળા પર ઢોળ્યો હતો.

ટ્રેનિંગ આપનાર પ્રવીણ બારોટે જણાવ્યું હતું કે ,અમારી ટ્રેનિંગ નો એક ભાગ છે કે જે રીતે એ લોકો હોસ્ટેલમાં ફરજ દરમિયાન સારી રીતે કામગીરી કરે એ માટે એમને ટ્રેનિંગ આપીએ છીએ. ઠંડકમાં ઊભા રાખ્યા છે. ખાલી નોર્મલ ટ્રેનિંગ આપીએ છીએ. અમારા વિજિલન્સ ઓફિસર ઓએસડી વાળા સાહેબના હુકમથી અમે ટ્રેનિંગ આપીએ છીએ. જેમની તબિયત લથડી એમને કશું નથી. એ એવું કહે છે કે ખાધું નથી હું બેસી જાવ છું, એટલે બેસાડી દીધો. અમારે અમારા વીસી સાહેબ અને વાળા સાહેબની સૂચનાથી અમારે અમારું કામ કરવાનું છે. ટ્રેનિંગનો જે હુકમ છે એ પ્રમાણે ટ્રેનિંગ આપીએ છીએ.

સિક્યુરિટી જવાન ભરતભાઈએ જણાવ્યું હતું કે મને પરેડમાં ચક્કર આવતા હતા. બારોટ સાહેબ પરેડ કરાવતા હતા. બધું શીખવાડે છે માટે એ જરૂરી છે. ગરમીમાં જોવા જઈએ તો આ રીતે પરેડ ન કરાવાય. હમણાં હું પડી ગયો હતો અને છાતીમાં પણ દુખાવો થઈ ગયો.

એબીવીપીના વડોદરાના મહામંત્રી અક્ષય રબારીએ જણાવ્યું હતું કે હાલમાં જે સિક્યુરિટી જવાનને તબિયત લથડી તેઓ પોતે યુનિવર્સિટીની જ એક્સ્પીમેન્ટલ સ્કૂલના ગેટ પાસે પાણી પીતા બે વખત લથળિયા ખાઈને મારી સામે પડી ગયા છે, અને તેવામાં ખાનગી સિક્યુરિટી દ્વારા તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ જે જોવા જઈએ તો બપોરે ત્રણ વાગે એક તરફ સરકાર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે, ઘરની બહાર નીકળવું નહીં અને ઘરની બહાર નીકળો તો કપડા ઢાંકેલા પુરા શરીર પર પહેરીને નીકળવું, મોઢું ઢાંકીને નીકળવું, તો બીજી તરફ ખાનગી સિક્યુરિટી દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે સિક્યુરિટી જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે, તો આજે આપણા જેવા યુવાનો પણ ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે પાણીની બોટલ સાથે લઈને નીકળવું પડે છે. ત્યારે યુનિવર્સીટીમાં આવા ખાનગીકરણમાં જે સિક્યુરિટી દ્વારા ભર બપોરે પરેડ કરવામાં આવે છે. એ ખૂબ જ નિંદનીય છે અને આટલા ઉંમરવાળા વ્યક્તિને ભર બપોરે ટ્રેનિંગ આપવી તે ખૂબ જ ખરાબ વસ્તુ છે. જો કાલ ઊઠીને કહ્યું મોટી ઘટના બની હોત તો એનો જવાબદારી કોણ લેશે ?

Most Popular

To Top