એસવાય બીકોમના 110 વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત
ગત 24 ઓકટોબર 2024ના રોજ પરીક્ષા લેવાઈ હતી

( પ્રતિનિધિ )વડોદરા,તા.12
એમ.એસ.યુનિવર્સિટીની પાદરા બ્રાન્ચમાં ગત વર્ષે ઓક્ટોબર માસમાં લેવાયેલી એસવાય બીકોમની પરીક્ષાની માર્કશીટ આજ દિન સુધી વિદ્યાર્થીઓને આપવામાં નહીં આવતા મેનેજમેન્ટ સામે સવાલો ઉઠ્યા છે ત્યારે એબીવીપી દ્વારા હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરીને રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીની પાદરા બ્રાન્ચમાં ગત વર્ષે ઓક્ટોબર માસમાં લેવાયેલી એસવાય બીકોમ ની પરીક્ષા બાદ આજે આઠ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છતાં વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગુરુવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન હર્ષિલ રબારીની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ એકત્ર થઈ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. અગ્રણી હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વિવિધ વિષયોને લઈને રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય વિષય છે કે, યુનિવર્સિટીમાં 24 ઓક્ટોબર 2024 ના રોજ પાદરામાં ઘણા બધા વિદ્યાર્થીઓએ એસવાય બીકોમની પરીક્ષા આપી હતી. જેમાં 110 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ યુનિવર્સિટી દ્વારા ગુમ થઈ ગઈ છે, વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટી પર આવે છે. ત્યારે, તેમને કહેવામાં આવે છે કે પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે. પરંતુ પાદરા બિલ્ડિંગ પર ખરેખરમાં આ માર્કશીટ પહોંચી જ નથી. છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જેથી લઈને આજે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વીસી દ્વારા કહેવામાં આવ્યું છે આવનારા બે દિવસની અંદર માર્કશીટ પાદરા બિલ્ડીંગ પર પહોંચી જશે.