NSUI અને AGSU વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા પોલીસે પરિસ્થિતિ સંભાળી :
એફવાયના નવા વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થી સંગઠનોની વરવી છાપ ઉભી થઈ :
( પ્રતિનિધિ ),વડોદરા.તા.12
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોમવારથી એફવાય બીકોમના પ્રારંભે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને એજીએસયુ તેઓને આવકારવા માટે એકત્ર થયા હતા. તેવામાં બંને જૂથોના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે યુનિવર્સીટી ખાતે દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ યુનિવર્સિટીની સ્વાયત તથા ઉપર તરફ વાગે છે. પરંતુ સાથે સાથે હવે વિદ્યાર્થી સંગઠનોનું પણ અસ્તિત્વ પણ નામશેષ થયું છે. કારણ કે વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણી યોજાશે નહીં. પરંતુ તેમ છતાંય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને વિદ્યાર્થીઓ પર પોતાનો પ્રભાવ પાડવા માટે સોમવારે અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા એફ.વાય.બીકોમ ના નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યાં એક તરફ વિદ્યાર્થીઓને આવકારવાનો માહોલ હતો. જે જોત જોતામાં ઘર્ષણમાં પરિણમ્યો હતો. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન સામસામે આવી ગયા હતા અને બંને સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે હાથાફાઈ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આખરે પરિસ્થિતિ પર કાબુ નહીં રહેતા સત્તાધીશોને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થી સંગઠનો બાખડયા હોવાની જાણ થતા જ પોલીસ આવી પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જ્યાં વિદ્યાર્થી સંગઠનો વિદ્યાર્થીઓ પર પોતાનો પ્રભાવ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં વિદ્યાર્થી સંગઠનોની આગવી છાપ નવા આવેલા વિદ્યાર્થીઓ ઉપર પડી હતી.
પ્રસાદ મુકેલા ટેબલ પર બુટ પહેરી નારા લગાવવા સામે અમારો વાંધો હતો :
એફવાય બીકોમનો આજથી પ્રારંભ થયો હતો. જેથી અમે વિદ્યાર્થીઓએ ભેગા મળીને 2000 કેળાની પ્રસાદીનું વિતરણ વિદ્યાર્થીઓને કરવા માટેનો કાર્યક્રમ યોજ્યો હતો. જે પ્રસાદી અમે એક કેરેટમાં મૂકી એક ટેબલ પર મૂક્યો હતો. જે ટેબલ પર એક વિદ્યાર્થીએ બુટ સાથે ચડી જઈ જિંદાબાદના નારા લગાવતા અમે તેને અટકાવ્યો હતો અને તુરત જ તેના અન્ય સાથીદારો આવી ગયા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા. જેની સામે અમે વિરોધ કર્યો હતો. : પંકજ જયસ્વાલ,AGSU