અધ્યાપકોને મનાવવા ફેકલ્ટી ડીને બેઠક બોલાવવી પડી :
અધ્યાપકોની નારાજગીથી શિક્ષણ કાર્યને અસર થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે :
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે હંગામી અધ્યાપકોએ નિમણૂકના ઓર્ડર નહીં મળતા શિક્ષણ કાર્યમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. જેથી તેમને મનાવવા ખાસ બેઠક બોલાવાઈ હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી દ્વારા હજી 6 વિભાગોના હંગામી અધ્યાપકોને નિમણૂક ના ઓર્ડર આપવામાં આવ્યા નથી. જેના કારણે અધ્યાપકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે અને વીસીની મનમાની સામે આર્ટસ ફેકલ્ટીના તમામ હેડ અને કાયમી અધ્યાપકોએ શિક્ષણ કાર્યમાં જોડાવાનું સ્પષ્ટપણે ઇનકાર કરતા ફેકલ્ટીમાં મુશ્કેલી વધી છે. અધ્યાપકોની આ નારાજગીથી શિક્ષણ કાર્યને અસર થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે ડીનની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટ્સ ફેકલ્ટીના તમામ હેડ અને કાયમી અધ્યાપકોને શિક્ષણકાર્ય પુન: શરૂ કરવા માટેની સમજાવટ કરવામાં આવી હતી. જો કે તમામ હેડ અને અધ્યાપકોએ મક્કમતાથી વિરોધ વ્યક્ત કરતા ફેકલ્ટીના ડીન આ નારાજગી સમજી ગયા છે. જેથી હવે આર્ટસ ફેકલ્ટીમાં શિક્ષણ કાર્યને લઈને એક મડાગાંઠ સર્જાય છે. આર્ટ્સ ફેકલ્ટીમાં હાલમાં જ મોડેમોડે શિક્ષણકાર્ય શરૂ થયું છે. જેમાં શિક્ષણ કાર્યને અસર થવાની પરિસ્થિતિ સર્જાય છે.