Vadodara

વડોદરા : MGVCLની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોનો ઉગ્ર વિરોધ

એફઆરટી કોન્ટ્રાકટ આધારિત ભરતી પ્રક્રિયા બંધ કરવા માંગ :

3250 ઉમેદવારોએ પરીક્ષા આપી, 1300 પાસ થયા અને માત્ર 79ને નિમણુંક અપાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ ખાતે આવેલી મધ્ય ગુજરાત વિજ કંપની લી.ની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયક ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઉમેદવારો બેરોજગારી મામલે એકત્રિત થયા હતા. પરીક્ષા પાસ થયા બાદ પણ નોકરી ન મળતા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ઉમેદવારોએ ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



વીજ કંપની દ્વારા યોજાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષામાં કુલ 3250 હજાર ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમાંથી 1300 ઉમેદવારો પાસ થયા હોવા છતાં અત્યાર સુધી નિયમિત ભરતી સંખ્યા તરીકે માત્ર 79 ઉમેદવારોને જ નિમણૂક આપવામાં આવી છે. નિમણૂકની પ્રોસેસ અત્યંત ધીમી હોવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, ખેડા સહિત મધ્ય ગુજરાતના અનેક જિલ્લા ઓમાંથી ઉમેદવારો પોતાની પડતર માંગણીઓ અને ન્યાય માટે વડોદરા પહોંચ્યા હતા.

તેઓએ મુખ્યત્વે એફઆરટી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી, કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવા તથા તમામ પાસ થયેલા ઉમેદવારોને વીજ સહાયક તરીકે જલદીથી ફરજ પર મુકવા માંગ કરી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અમે પરીક્ષા આપી હતી અને પાસ થયા છે. સરકાર દ્વારા જે લાયકાત ફાળવવામાં આવી છે, છતાં અમને નિમણૂક આપવામાં વિલંબ થાય છે, તેમજ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રથા અમને સ્વીકાર્ય નથી. અમે કાયમી ભરતીની માંગ સાથે અમારા હક્ક માટે આંદોલન કરી રહ્યા છીએ. સ્થળ પર પોલીસ બંદોબસ્ત વધુ કરવામાં આવ્યો હતો તેમજ તંત્રની નેગોશિએશન ટીમને પણ સતત સંપર્કમાં રાખવામાં આવી હતી.

આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એમજીવીસીએલ, ડીજીવીસીએલ , પીજીવીસીએલમાં એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. દિલ્હીની એજન્સી છે. પાસ થયેલા ઉમેદવારો મેરીટ લિસ્ટમાં આવ્યા છે તેમને નિમણૂક આપવાને બદલે નવી પોસ્ટ બનાવી છે. એફઆરટીની અને એ પોસ્ટમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવાની વાત કરે છે અને કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. 22,હજાર પગાર આપવાની જગ્યા પર 12,હજાર પગાર આપે છે. સેફ્ટીના સાધનો આપતા નથી. પગાર સ્લીપ આપતા નથી. મેડીક્લેમ અને વીમો પણ કરાવવામાં આવતો નથી. જેની સામે આ વિરોધ છે કે, આજે વિરોધ પ્રદર્શન દરમિયાન તંત્રને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ દિવસોની અંદર જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Most Popular

To Top