Vadodara

વડોદરા : Linkedin નામના સોશ્યિલ મીડિયા પર વિજયકુમાર શ્રીવાસ્તવે MSU સાથે જોડાયેલા હોવાની માહિતી યથાવત રાખતા વિવાદ

યુનિવર્સીટીના પ્રોફેસરે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને રજૂઆત કરી

વિજયકુમાર સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરાઈ

એમએસયુના ભૂ.પૂ. કુલપતિ પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા Linkedin નામના સોશ્યિલ મીડિયા ફોર પ્રોફેશનલ્સ પર યુનિવર્સિટીના નામ સાથેની પોતાની ગેરમાર્ગે દોરનારી ખોટી માહિતી હજુ સુધી યથાવત રાખતા પ્રો.સતીશ પાઠકે તેઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ સાથે હાલના ઈન્ચાર્જ વીસીને રજૂઆત કરી છે.

એમએસયુના પૂર્વ વીસી ડો.વિજયકુમાર શ્રીવાસ્તવે તેઓની ગેરકાયદેસર રીતે થયેલી નિયુક્તિ અને તેને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી પી.આઈ.એલ.ના કારણે તા.8 જાન્યુઆરીના રોજ મજબૂરીવશ ગભરાઈને પોતાનું રાજીનામું ધરી દીધું હતું. તેઓના આ કૃત્યને લીધે બે વર્ષ અને 11 માસ જેટલા તેમના કાર્યકાળ દરમ્યાન આ વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીની ગરિમા પણ કલંકિત થવા પામી હતી. આ સમગ્ર ઘટનાના પડઘા હજી શમ્યા પણ નથી. ત્યાંતો તેઓ હવે કુલપતિ પદ પર રહયાં જ નથી તેમ છતાં, Linkedin નામના બહુપ્રચલિત સોશ્યિલ મીડિયા ફોર પ્રોફેશનલ્સ ઉપર એમએસયુ સાથે પોતાનું કલંકિત નામ જોડીને છેલ્લા 3 વર્ષ અને 3 મહિનાથી પોતે આ યુનિવર્સિટીમાં કુલપતિ પદ પર સેવા બજાવી રહ્યા હોવાની ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આજદિન સુધી યથાવત રાખવાની ગુન્હાઈત પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે આ મામલે યુનિવર્સીટીના પ્રોફેસર સતીશ પાઠકે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને પત્ર લખી રજૂઆત કરી છે. તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આ અત્યંત શરમજનક છે. Linkedin નામના બહુપ્રચલિત સોશ્યિલ મીડિયા ફોર પ્રોફેશનલ્સનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ પોતાની પ્રોફાઈલને વિશ્વ સમક્ષ રજૂ કરવા, પોતાની પ્રોફેશનલ સ્કિલ્સને આધારે કન્સલ્ટન્સી પ્રાપ્ત કરવા તથા ગ્રુપ નેટવર્કિંગ વધારવા માટે કરતાં હોય છે. ત્યારે, સસ્તી પ્રસિદ્ધિ-ભૂખ્યા પ્રો. શ્રીવાસ્તવે યુનિવર્સિટીમાં હજુ પણ કુલપતિ પદ પર સેવા બજાવી રહ્યા હોવાની ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આજદિન સુધી Linkedin પર યથાવત જાળવી રાખીને સમાજ અને શિક્ષણ જગતને છેતરવાની સાથે યુનિવર્સિટીની ગરિમાને પણ નુકસાન પહોંચાડવાનો હીન પ્રયાસ કર્યો છે.જે અત્યંત આપત્તિજનક છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તેઓની સામે યોગ્ય કાર્યવાહી થાય અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top