સમગ્ર ઘટનાને ગંભીરતાથી સમજી યોગ્ય તપાસની માંગણી કરાઈ :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.26
IOCL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં બે કર્મચારીઓના મોતની ઘટના મામલે મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી માટે ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીમાં પીઆઈ, મામલતદાર, નાયબ મામલતદાર તલાટી સહિતના અધિકારીઓનો ખાનગીમાં જવાબ લેવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બદલે નીચલી કક્ષાના અધિકારીઓ હાજર રહેતા કરચિયા ગામના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના કોયલી ગામ પાસે આવેલી ગુજરાત રિફાઈનરી કંપની ખાતે થોડા સમય પૂર્વે થયેલી બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે ચાલી રહેલી મેજિસ્ટરિયલ ઇન્કવાયરીના ભાગરૂપે પીઆઇ, મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી અને આઇઓસીએલના સંબંધિત વિભાગોના અધિકારીઓ સહિતના સ્ટેક હોલ્ડર્સને વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે જૂની કોઠી કચેરી બિલ્ડીંગ ખાતે આવેલી ગ્રામ્ય પ્રાંત અધિકારી ખાતે બોલાવાયા હતા. જ્યાં કારચિયા ગામના રહીશો પણ રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. પ્રાંત અધિકારીની કચેરી ખાતે તબક્કાવાર કંપનીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. તપાસ અધિકારી દ્વારા તમામનો ખાનગીમાં જવાબ લેવામાં આવ્યો હતો. જોકે કરચિયા ગામના લોકોએ જાહેરમાં સુનાવણી કરવાની માંગણી કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને બદલે નીચલી કક્ષાના અધિકારીઓ સુનવણી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કરચિયા ગામના અગ્રણી પ્રિતેસ પટેલે કંપનીના સત્તાધીશો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માત્ર બે ચાર ગામ નહીં પણ આખે આખું વડોદરા જીવતા બોમ્બ ઉપર બેઠું છે. જો કોઈ મોટી હોનારત થાય તો 2 થી 20 મિનિટમાં કોઈપણ ભાગી શકે નહીં અને જીવતા ભડથું થઈ જાય. ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવે નહીં તે અંગે તપાસ કરવાની માંગણી કરી હતી.