વાયરસથી ગભરાવાની જરૂર નથી, કાળજી લે તો ચોક્કસ બચી શકાશે : ડો.હિતેન્દ્ર ચૌહાણ
ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર પણ કાર્યરત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
ચીનમાં કોરોના બાદ એચએમપીવી નામના ઘાતક વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ તેનો એક કેસ આવતા કેન્દ્ર અને રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. ત્યારે, વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પણ 26 બેડનો આઇસોલેસન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.
RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, કાળજી લો તો ચોક્કસ બચી શકાશે. ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ. માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ. સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. કઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત એસએસજી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે. અમે એક આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે. 26 બેડનો , ઓક્સિજન ટેન્ક ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર પણ અવેલેબલ છે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ કીટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડની વ્યવસ્થા કરવા માટે પણ સક્ષમ છે. હાલના તબક્કે વડોદરા ખાતે એક પણ દર્દી નોંધાયો નથી.