શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલ કરવાની ભલામણ
CBSEની ઓચિંતી તપાસમાં જે વિદ્યાર્થી શાળામાં ગેરહાજર હશે તે બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં

( પ્રતિનિધિ )વડોદરા,તા.28
નિયમિત રીતે શાળામાં ન જનારા સીબીએસઇના વિદ્યાર્થીઓને ધો.12ની બોર્ડની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે નહીં તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ડમી શાળાઓેમાં પ્રવેશ લેવાની જવાબદારી વિદ્યાર્થીઓ અને માતા-પિતા સાથે સંકળાયેલી છે. ડમી શાળાઓ વિરુદ્ધ સન્ટ્રલ બોેર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે સીબીએસઇ ડમી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસી ન શકે તે માટે સંબધિત પરીક્ષા કાયદાઓમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. ડમી શાળાઓના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને તેમને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એનઆઇઓએસની પરીક્ષા આપવી પડશે. બોર્ડના અધિકારીના કહ્યા મુજબ બોર્ડની ઓંચિતી તપાસ દરમિયાન જે વિદ્યાર્થી શાળામાં હાજર નહીં હોય તેવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. નિયમિત શાળામાં ગેરહાજરીની જવાબદારી પણ સંબધિત વિદ્યાર્થી અને તેના માતા-પિતાની છે.
