29 ઉમેદવારોએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા, તેમાંથી 25 એન્જિનિયરિંગ અને 4 નોન-એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે સંબંધિત :
3.29 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી, જોકે, માત્ર 2.92 લાખ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
કોમન એડમિશન ટેસ્ટ CAT 2024નું પરિણામ ગુરુવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેમના પરિણામ અને સ્કોરકાર્ડ તપાસવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર જઈ પોતાના પરિણામ તપાસી શકાશે.
કોમન એડમિશન ટેસ્ટના પરિણામમાં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે CAT પરીક્ષા માટે 3.29 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જોકે, માત્ર 2.92 લાખ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. CAT 2024ના પરિણામોમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. આ પરિણામોમાં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે, જેમાંથી 13 એન્જિનિયર છે. જો આપણે ટોપ સ્કોરર્સ પર નજર કરીએ તો તેમાં 13 પુરુષ અને એક મહિલા છે. CAT 2024 માટે નોંધાયેલા 3.29 લાખ ઉમેદવારોમાંથી 67.53 ટકા સામાન્ય કેટેગરીના, 16.91 ટકા NC-OBC, 8.51 ટકા SC, 2.25 ટકા ST, 4.80 ટકા EWS અને 0.44 ટકા PwD કેટેગરીના હતા. જ્યારે 2.93 લાખ ઉમેદવારોમાંથી 67.20 ટકા સામાન્ય કેટેગરીના હતા. આ પછી IIM ટૂંક સમયમાં આગામી તબક્કા માટે શોર્ટલિસ્ટ જાહેર કરશે, જે CAT સ્કોર અને સંસ્થા-વિશિષ્ટ માપદંડ પર આધારિત હશે. IIM ની સાથે 86 અન્ય બિન-IIM સંસ્થાઓ પણ તેમના મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે CAT 2024 સ્કોર્સનો ઉપયોગ કરશે. પરિણામો પર નજર કરીએ તો 29 ઉમેદવારોએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેમાંથી 25 એન્જિનિયરિંગ અને 4 નોન-એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે સંબંધિત છે. તેમાં 27 પુરુષો અને બે મહિલાઓ છે. આ ઉપરાંત 30 વિદ્યાર્થીઓએ 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.