( પ્રતિનિધિ ) વડોદરા તા.2
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી BSNL ઓફિસના પ્રાંગણમાં નિવૃત કર્મચારીઓએ પોતાના રિવાઈઝડ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2017 થી પોતાના રિવાઈઝડ પેન્શનને લઈને અનેક વખત ધરણા પ્રદર્શન BSNLના નિવૃત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકારના કાને તેઓની રજૂઆત ન પડતા મંગળવારે વધુ એક વખત પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યો છે.
BSNLના નિવૃત કર્મચારીઓના રિવાઈઝડ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને 90 થી 120 દિવસમાં BSNLના નિવૃત કર્મચારીઓને રિવાઇઝડ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે. જે નહીં થતાં તેઓને કન્ટેમપ્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે. ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલી BSNL ઓફિસની પ્રાંગણમાં નિવૃત કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં નિવૃત કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આજ દિન સુધી BSNLના કર્મચારીઓને રિવાઈઝડ પેન્શન ના નામે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. લોકસભા ઇલેક્શન પહેલા સરકાર દ્વારા BSNLના નિવૃત કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે, તેઓની વહેલી તકે રીવાઈઝડ પેન્શન ના પ્રશ્નોનું નિરાકરણ આવશે. ઈલેક્શન બાદ આજ દિન સુધી તે મુજબ પરિણામ ન આવતા હવે BSNLના નિવૃત કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.