Vadodara

વડોદરા : BPCL કંપનીના ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ત્રણ શખ્સની ધરપકડ

પ્રતિનિધિ વડોદરા તા.7

કોયલીની બીપીસીએલ કંપનીમાંથી પેટ્રોલ અને ડીઝલ ભરીને ડિલિવરી આપવા નીકળતી ટેન્કરો ડ્રાઇવરો સાથે સાંઠગાંઠ કરીને અમ્મા રોડવેઝનો માલિક કૌભાંડ આચરતો હતો. રણોલી વિસ્તારમાં ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીનું કૌભાંડ ચાલતુ હતુ ત્યારે એસઓજી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે સ્થળ પરથી મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. પેટ્રોલ અને ડીઝલ રૂ. 12.40 લાખ, ટેન્કર રૂ.20 લાખ, પાંચ મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 32.94 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.

વડોદરા રણોલી રોડ પર ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલા નારાયણ એસ્ટેટમાં શકીલ રંગવાલા તેની અમ્મા રોડવેઝની ઓફિસની સામે પેટ્રોલ ભરેલા ભારત પેટ્રોલિયમના ટેન્કરમાંથી રોડવેઝનો સંચાલક શકીલ, ડ્રાઇવર તથા સાગરીતો સાથે મળીને પેટ્રોલ તથા ડીઝલની ચોરી કરે છે. હાલમાં પણ ટેન્કરમાં પાઇપ નાખીને કારબામાં ડીઝલ પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે. તેવી બાતમી એસઓજીના એએસઆઇ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહને મળી હતી. જેથી પીઆઇ એસડી રાતડાના સુચના મુજબ એસઓજીની ટીમે 6 માર્ચના રોજ  બાતમીના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી ડિઝલ તથા પેટ્રોલની ચોરી કરનાર ત્રણ શખ્સ શકીલ સમૂન રંગલાવાલ (રહે. જુનામોદીખાના, મયુર એપાર્ટમેન્ટની સામે ફતેગંજ વડોદરા), ચિરાગ રામજનક વર્મા (રહે.  ગાયત્રી ટાઉનશીપ, ચીકુવાડી પાસે રણોલી ગામ વડોદરા) તથા રાજેશકુમાર છોટેલાલ યાદવ (રહે. ભદકાર ગામ પોસ્ટ નિબિકલા, શારતામાતા મંદિર પાસે થાના ઝુંસી તા.ફુલપુર જિ. અલ્હાબાદ ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી ટેન્કર રૂ. 20 લાખષ ટેન્કરમાં ભરેલુ પેટ્રોલ 9 હજાર લીટર, ડીઝલ 5 હજાર લીટર રૂ. 12.40 લાખ, પાંચ મોબાઇલ રૂ.20 હજાર, રોકડ રકમ રૂ.20 હજાર સહિત મળી રૂ. 32.94 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અને મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે. એસઓજી દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી છે. જેથી એફએસએલ દ્વારા પેટ્રોલ અને ડીઝલના સેમ્પલ પણ ચકાસણી માટે લેવામાં આવ્યાં છે.

Most Popular

To Top