ખોડિયાર નગર વિનાયક રેસિડેન્સીના બી ટાવરના એક મકાનમાં એસીમાં આગ :
હાલોલ ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડ બીમાર હોય છેલ્લા ઘણા દિવસોથી ઘરે હતા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેરના ખોડીયાર નગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસીડેન્સીના બી ટાવરના પાંચમા માળે એક મકાનમાં એસીમાં આગ લાગતા એક આધેડનું મોત થયું છે. જ્યારે ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલ ખાનગી કંપનીમાં નોકરી કરતા કિરણભાઈ રાણા વડોદરા શહેરના ખોડીયાર નગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલા વિનાયક રેસીડેન્સીના બી ટાવરના પાંચમા માળે મકાન નંબર 506માં રહેતા હતા. છેલ્લા ઘણા દિવસોથી કિરણભાઈ રાણા બીમાર હોવાથી બે મહિનાથી તેઓ નોકરી પર જતા ન હતા અને ઘરે જ આરામ ફરમાવી રહ્યા હતા. તેવામાં શનિવારે તેમના મકાનમાં રહેલા એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઊઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે કિરણભાઈ રાણા ગંભીર રીતે દાઝી ગયા હતા.

મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચતા કિરણભાઈ રાણાનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

