પીડીતા 15 વર્ષની હતી ત્યારથી આરોપીએ પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું, આખરે અન્ય મહિલા સાથે લગ્ન કરી પીડિતાને તરછોડી, છાણી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ
વડોદરા તારીખ 24
વડોદરા શહેરમાં પરિણીત અને એક સંતાનના પિતા એવા સામાજિક કાર્યકર વિલ્સન સોલંકીએ પીડીતા 15 વર્ષની હતી. ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. પીડિતા 24 વર્ષની થઈ ત્યાં સુધી એટલે કે 9 વર્ષ સુધી તેના પર આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કર્યા બાદ પીડિતાને તરછોડી દેતા તેણે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિલ્સન સોલંકી સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં સામાજિક કાર્યકર વિલ્સન વિનોદ સોલંકીએ વર્ષ 2016માં ધોરણ 11 માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. પીડિતા નિઝામપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં આવતી હતી ત્યારે આરોપી સગીરાને પોતાની સ્કોર્પીયો કારમાં પાવાગઢ અને આજુબાજુના વિસ્તારમાં ફરવા માટે લઈ ગયો હતો અને પોતાની કારમાં જ સગીરા સાથે શરીર સંબંધ બાંધતો હતો. દીકરી સતત ક્લાસમાં ગેરહાજર રહેતા શિક્ષકે તેના પિતાને જાણ કરી હતી ત્યારબાદ પીડિતા ના પિતાને વિલ્સન સોલંકી સાથેના સંબંધો બાબતે જાણ થઇ હતી.
પરંતુ જે તે વખતે પીડિતા માઈનોર હોવાથી ચાઇલ્ડ હેલ્પ લાઈન પર પીડિતાના પિતાએ ફરીયાદ કરતા પીડિતા અને આરોપીના સમાજના સગાઓ અને ચર્ચના આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. પીડિતા 18 વર્ષની થતાં આરોપી તેને આરોપી પોતાના ઘરે રહેવા લઈ ગયો હતો. ત્યારે વિલ્સન સોલંકી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનુ જાણવા મળતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આરોપીએ તેની પ્રથમ પત્નીને છુટાછેડા આપીને તારી સાથે લગ્ન કરવાનો છું તેમ કહી પીડિતા તથા તેના માતા પિતાને વિશ્વાસ અપાવી સબંધ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ તેણે પોતાની પત્નીના છુટાછેડા થઈ ગયા છે અને 14 ફેબ્રુઆરીના રોજ પીડિતા સાથે લગ્ન કરવાના હોવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેણે પીડિતા સાથે લગ્ન નહીં કરી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
આરોપી પીડિતાને 9 વર્ષથી લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધતો આવ્યો હતો પરંતુ આખરે તેને તરછોડી દેતા પીડિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિલ્સન વિનોદ સોલંકીની ધરપકડ કરી હતી. એસએસજી હોસ્પિટલમાં આરોપીનું મેડિકલ કરાવવા માટે લઈ જતા કોઈ ટેકનીકલ ખામીના કારણે થઈ શક્યું ન હતું જેથી આગામી દિવસમાં અમદાવાદ ખાતે મેડિકલ માટે લઈ જવાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ વિલ્સન સોલંકી વિરુદ્ધ છાણી અને ફતેગંજ પોલીસ સ્ટેશનના મળીને ત્રણ ગુના નોંધાયેલા છે.
આરોપી વિલ્સન સોલંકીને સોનુ પહેરવાનો પહેરવાનો શોખ છે. આ ઉપરાંત અગાઉ તેની ઓફિસમાં ટેબલ પર ચલણી નોટો મુકી રિલ્સ બનાવી હતી તથા પુષ્પાની સ્ટાઇલમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો છે. ઉપરાંત આરોપી અગાઉ રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.