ક્રાઇમ બ્રાન્ચે હરણી વિસ્તારમાંથી આરોપીને દબોચ્યો,આરોપી પાસેથી રૂ. 5.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.31
અમદાવાદ, વડોદરા, દાહોદ, સુરત ગોધરા સહિતના વિવિધ વિસ્તારોમાં અગાઉ 50થી વધુ વાહનચોરી ગુનામાં પકડાયેલા આંતર જિલ્લા રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે હરણી રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ચોરી કરેલી બાઇકો મધ્યપ્રદેશમાં વેચી નાખતો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી 31 બાઇક મળી રૂ. 5.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહેસાણા જિલ્લાના લુણવા ગામે રહેતા અરવિંદ વ્યાસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારો, દાહોદ તથા મધ્યપ્રદેશના ઇન્દોર, અમદાવાદમાંથી એકસ્પર્ટાઇથી 31 જેટલી બાઇકની ચોરી કરી હતી. પરંતુ વર્ષ 2017થી આરોપી નાસતો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમની બાતમી મળી હતી કે આ વાહનચોરી રખડતો ભટકતો મોટાભાગે ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અવરજવર કરતો હોય છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી વિસ્તારમા અવારનવાર શોધખોળ કરવામાં આવતી હતી. દરમ્યાન હાલમાં હરણી રોડ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હરણી રોડ ગદા સર્કલ પાસે પહોંચતા હરણી ગામ તરફથી એક શંકાસ્પદ શખ્સ ગોલ્ડન ચોકડી તરફ જતો હોય વાહન ચોર અરવિંદ જયંતી વ્યાસ હોવાની શક્યતા જણાઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને બાઇક ઉભી રખાવવા માટે ઇશારો કરતાં પોલીસને જોઇને આ શખ્સે બાઇક દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટીમે તેનો પીછો કરી હરણી રોડ લેકઝોન પાસે આંતરી ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેનું નામ અરવિંદ જયતી વ્યાસ (રહે.ગામ લુણવા તા.ખેરાલુ જી.મહેસાણા) હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની પુછપરછ છેલ્લા પોણા બે વર્ષ દરમ્યાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ વડોદરા રેલ્વે સ્ટેશન પાસેથી ટુ વ્હીલર બાઇક ચોરી કર્યા હતા અને આ ચોરી કરેલા બાઇક મધ્યપ્રદેશમાં જુદી-જુદી વ્યક્તિઓને વેચી નાખ્યા હતા. જ્યારે કેટલીક બાઇકોમાં પેટ્રોલ ખૂટી જતા બંધ થવાના કારણે બિનવારસી છોડી દીધી હોવાનું જણાવ્યું હતું. આરોપી દ્વારા ચોરી કરેલ 31 બાઇક રૂ. 6.85 લાખનો મુદ્દમાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અમદાવાદ, પાલનપુર, સુરત, દાહોદ, ગોધરામાંથી બાઇક તથા જીપ મળી 50 વાહનચોરીના ગુના નોંધાયેલા છે. ઉપરાંત ગોધરાના પાંચ ગુનામાં બે વર્ષની સજા પણ થઇ હતી.