આંતરરાજ્ય મોટા લોન કૌભાંડનો પર્દાફાશ થવાની આશંકા
વડોદરા તા.25
કર્ણાટકના વેપારી સહિતના લોકોને સસ્તામાં સોનું તથા 10 કરોડની લોન અપાવવાનું કહીને રૂ.4.92 કરોડની ઠગાઇના ગુનામાં પોલીસે એક આરોપીના ઘરમાં 1.62 કરોડની ચલણી નોટો તથા સોનાના બિસ્કીટ કબજે કર્યા હતા. ત્યારે પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસમાં 19 આરોપીઓ પૈકીના માસ્ટર માઈન્ડ ઈલ્યાસ નકલી પોલીસની ઓળખ આપી ઠગાઈ આચરી હોવાની વિગતો જાણવા મળી રહી છે. આગામી દિવસોમાં લોન અપાવવાના બહાને આંતરરાજ્ય ઠગાઇનો પર્દાફાશ થાય તો નવાઈ નહીં.
કર્ણાટક ખાતે રહેતા વેપારીને સસ્તામાં સોનું અપાવવા અને રૂપિયા 10 કરોડની લોન પાસ કરાવવાનું કહી ખોટા વાયદા આપીને તેમની પાસેથી મહિલા સહિતની ગેંગ દ્વારા રૂપિયા 4.92 પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઠગાઇના ગુનામાં જે પી રોડ પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર ઈલ્યાસ અજમેરી તેના ભાઈ ઈદ્રીશ અજમેરીના ઘરે તપાસ કરાઈ હતી. ત્યારે રૂ. 1.62 કરોડની નકલી ચલણી નોટો અને ત્રણ કિલો નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ કાર્યવાહીમાં ઘણા લોકો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાના શક્યતા છે. મુખ્ય આરોપી ઈલ્યાસ અજમેરી લોકોને નકલી પોલીસ બનીને ઠગાઈ આચરી હોવાનું હાલની વિગતો પ્રકાશમાં આવી છે. જેને લઈ ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, 21 નવેમ્બર ના રોજ ઠગાઈનો ગુનો જે પી રોડ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બે લોકોની ધરપકડ કરાઈ હતી. જેમાં ભરત પ્રજાપતિ અને વિરલ સાકરિયા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. આ ફરિયાદમાં 19 આરોપીઓ છે જેઓની તપાસ ચાલતી હતી. આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર રાજવીર પરીખ ઉર્ફે ઈલ્યાસ અજમેરીના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. તે દરમ્યાન ગુનાને લગતો મુદ્દામાલ ઇદ્રીશ અજમેરીના ઘરે જે મુદ્દામાલ સંતાડ્યો હતો.
જેથી તેના ભાઈના ઘરે સર્ચ કરતા 500ના દરની 1.62 કરોડ રૂપિયાની ચાલની નોટો મળી આવી છે. આ સાથે નકલી સોનાના 2.900 કીલોગ્રામના 51 બિસ્કિટ મળી આવ્યા હતા. નકલી સોનુ નકલી ચાલની નોટનો ઉપયોગ કરી લોકો પાસેથી ઠગાઈ આચરતા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ પાંચ જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઠગાઈ કરનાર આરોપીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમા આ લોકોને નકલી પોલીસ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. હાલમાં તમામ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યમાં પણ ઠગાઈ આચરી હોય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત અન્ય આરોપીઓ સાથે કર્ણાટકના મંજુ આર રવિ પાસેથી રૂ.4.92 કરોડ રૂપિયા પડાવ્યા હતા અને સસ્તામાં સોનું પણ અપાવ્યું ન હતું કે 10 કરોડની લોન પણ અપાવી હતી.જેથી જે પી રોડ પોલીસ દ્વારા આરોપી વિશાલ વિનોદ બારડ, નયના મહિડા, રાજવીર પરીખ ઉર્ફે ઇલ્યાસ અજમેરી, રાજભાઇ, સુલતાન નામનો ડ્રાઇવર, વિરલ લાલાભાઇ, સમીરભાઇ, ગણેશ, હર્ષ શર્મા શ્રીનિવાસન નામનો ઇડીનો અધિકારી, મહારાષ્ટ્ર ટોલના પાસે કાર રોકનાર પોલીસની ઓળખ આપનાર અન્ય 19 લોકો સામે ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.