Vadodara

વડોદરા : 15 મિનિટમાં લાઈટ આવી જશે, રાહ જોતા જોતા લોકોના ઘરોમાં ચૂલા પણ ન સળગ્યા

બરાનપુરા જીઈબી સબ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો :

લાઈટ વિના લોકોમાં રોષ, વીજ કચેરી પહોંચી આક્રોશ ઠાલવ્યો :

( પ્રતિનિધિ ) વડોદરા તા.10

વડોદરામાં રવિવારથી મેઘરાજાનું જોરદાર આગમન થયું છે ધમાકેદાર એન્ટ્રી થતા ની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો બીજી તરફ મધ્ય ગુજરાત વીજ કંપનીની બરાનપુરા પેટા વિભાગીય કચેરીમાં સમાવિષ્ટ વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ડૂલ રહેતા લોકોએ વીજ કચેરી પહોંચી આક્રોશ ઠાલવ્યો હતો.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ કાળઝાળ ગરમી બાદ રવિવારે નમતી સાંજે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તે જ પવનોના કારણે ઠેર ઠેર વૃક્ષો અને હોર્ડિંગ સહિત જર્જરિત મકાનોના સ્લેબ, દીવાલો તૂટી પડવાના પણ બનાવો બન્યા હતા. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. ત્યારે બરાનપુરા વીજ કચેરીમાં સમાવિષ્ટ મદનઝાંપા, ઉપલા ફળિયા સહિતના વિસ્તારોમાં ગતરોજ સાત વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાયો હતો.

રાત્રી દરમિયાન વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. જેના કારણે કેટલાકના ઘરોમાં ચૂલા પણ સળગ્યા ના હતા. ત્યારે રોષે ભરાયેલા લોકો વીજ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર અધિકારીઓ દ્વારા 10 મિનિટ 15 મિનિટમાં લાઈટો આવી જશે તેમ જણાવ્યું હતું. છતાં પણ કલાકો વીતી ગયા પણ વીજ પુરવઠો કાર્યરત થયો ન હતો. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Most Popular

To Top