એસીબીની તપાસમાં આરોપી, તેની પત્ની અને પુત્રના મળી 7 ખાતા મળ્યાં જેમાં 26.57 લાખ બેલેન્સ
ભોયાનું ધરમપુર ખાતેનું લોકર સીઝ, તેના પરિવારના સભ્યને સાથે રાખે ચેક કરાવાશે
પ્રતિનિધિ વડોદરા તા.15
તત્કાલીન ટાઉન્ પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાંના રિમાન્ડ દરમિયાન બેન્ક ડિટેઇલ્સની તપાસ કરતા તેના પાંચ તથા તેના પુત્ર અને પત્નીના નામે એક એક એકાઉન્ટ છે. તેમના સાત એકાઉન્ટમાં રૂ.26.57 લાખ બેલેન્સ છે. 1.57 કરોડની સંપતી ભેગી કરનાર ભોયાના પાંચ એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા બતાવે છે અને કેટલાક એકાઉન્ટ સિક્રેટ હોય તેવુ લાગી રહ્યું છે. તેના મૂળ વતન ધરમપુર ખાતેનું લોકર સીઝ કરાયું છે જે આગામી દિવસોમાં ખોલાવવામાં આવશે.
વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી નહેરુપાર્ક સોસાયટીમાં આલિશાન બંગલો ધરાવનાર સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાસ ભોયાની ધરપકડ કરાઇ હતી. આરોપીએ વિવિધ જગ્યા પર ફરજકાળ દરમિયાન સત્તાનો દુરઉપયોગ તથા ભ્રષ્ટાચાર કરી મસમોટી સંપતિ ભેગી કરી હતી. જેમાં અધિકારીની કાયદેસરની આવક કરતા 1.57 કરોડની વધુની અપ્રમાણસર મિલકતો મળતા વડોદરા એસીબીમાં ગુનો દાખલ કરાયો હતો. એસીબીની વધુ પુછપરછ કરવા ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન ભોયાના પાંચ તથા પુત્ર અને પત્નીના નામે મળીને 7 બેન્કમાં એકાઉન્ટ હોવાનું માલુમ પડ્યું હતું. અને તમામ એકાઉન્ટમાં મળીને રૂ. 26.57 લાખ જેટલું બેલેન્સ બતાવી રહ્યું છે. એસીબીની તપાસ કરતા કૈલાશ ભોયાના પાંચ એકાઉન્ટમાં રૂ. 12 લાખ જ્યારે બાકીનું પત્ની તથા પુત્રના એકાઉન્ટમા બેલેન્સ બતાવી રહ્યા છે. બીજી તરફ ભોયાના મૂળ વતન ધરમપુર ખાતે પણ બેંક ઓફ બરોડામાં લોકર મળી આવતા હાલમાં સીઝ કરાયુ છે ત્યારે આગામી દિવસોમાં એસીબી દ્વારા તેના પરિવારના સભ્યોને સાથે રાખીને ખોલાવી તપાસ કરાશે. ત્યારે પોતાના 1.57 કરોડની મિલકત હોવા છતાં તેના પાંચ એકાઉન્ટમાં માત્ર 12 લાખ બેલેન્સ હોવાની વાત ગળે ઉતરતી નથી. આજે રિમાન્ડ પુરા થતા હોય એસીબી દ્વારા વધુ રિમાન્ડની માગણી કરાશે ખરી ?