9 માંથી 7 વિદેશ અને 2 શિક્ષકો બીમાર, એક વર્ષ ઉપરાંતના સમયથી શિક્ષકો ગેરહાજર છે :
સરકારના આદેશ અપાયા પૂર્વે જે તે સમયે ભૂતિયા શિક્ષકોને શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવી હતી અને બે દિવસમાં જ ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે : મહેશ પાંડે
શિક્ષિત અને વિકસિત ગુજરાતમાં ગુલ્લેબાજ શિક્ષકોના મુદ્દાએ જોર પકડ્યું છે. અનેક શિક્ષકો વિદેશમાં હોવા છતાં અહીં તેમની ફરજ શાળામાં બોલતી હોવાના ચોકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ફરજ પર ગુલ્લીમારીને વિદેશમાં મોજ કરતા શિક્ષકોના કારણે ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને છે.ત્યારે આવા ગુલ્લેબાજ શિક્ષકો વિરુદ્ધ સરકારે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેવામાં વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 9 શિક્ષકો જેમાંથી 7 વિદેશ છે અને 2 શિક્ષકો બીમાર છે. છેલ્લા એક વર્ષ ઉપરાંત સમયથી આ શિક્ષકો ગેરહાજર રહેતા જે તે સમયે તમામને શિસ્તભંગ ની નોટીસ આપવામાં આવી છે અને આ શિક્ષકો સામે બે જ દિવસમાં ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષકોની ગેરહાજરી અને ભૂતિયા શિક્ષકોના મુદ્દાએ હાલ રાજ્યમાં જોર પકડ્યું છે.ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે શિક્ષણ વિભાગે પણ બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કર્યો હતો.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે તે સમયે વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના નવ શિક્ષકો સામે શિસ્ત ભંગની નોટીસ આપવામાં આવી હતી અને એ આ શિક્ષકો સામે બે જ દિવસમાં ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે હાલ કુલ વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 9 શિક્ષકો જેમાં સાત વિદેશ છે અને બે શિક્ષકો બીમાર છે આ તમામ શિક્ષકો છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ગેરહાજર છે આ કુલ નવ શિક્ષકોમાં પાદરા- 4 કરજણ-4 ચાર અને વડોદરા ગ્રામ્ય-1 એમ કુલ મળીને 9 સામે ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, આદેશ અપાયાના બીજા જ દિવસે ભૂતિયા શિક્ષકો પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે 134 શિક્ષકોને બરતરફ કર્યા છે. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહીમાં છોટાઉદેપુરમાં 16 જેટલા શિક્ષક અને બનાસકાંઠામાં 18 એમ વિવિધ જિલ્લાઓમાં મળી કુલ 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.