વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુ.કમિશ્નરને પત્ર લખી રજૂઆત :
અતુલ પાર્ક સોસાયટીથી વાયરોક હોસ્પિટલ,સરદાર છાત્રાલયથી આર્યકન્યા વાળા રોડ ઉપર ખાડા ખોદવામાં આવ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરા શહેરમાં જ્યાં છેલ્લા 50 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય કે શહેરમાં મોટા પુર આવ્યા હોય છતાય એક ઇંચ પણ પાણી ભરાતું નથી, તેવા રોડ ખોદીને વરસાદી કાંસ નાખી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિ વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને આ જણાવ્યું હતું કે, ભૂતડીઝાંપાથી આર્યકન્યા – જીવનભારતી ચાર રસ્તા પર આવેલ નાગરવાડા/બહુચરાજીની કુદરતી વરસાદી કાંસ ઉપરના બ્રીજ બાદ શરુ થતી અતુલ પાર્ક સોસાયટી થી વાયરોક હોસ્પિટલ, સરદાર છાત્રાલય થી આર્યકન્યા વાળા રોડ ઉપર છેલ્લા 50 વર્ષમાં ગમે તેટલો મુશળધાર વરસાદ પડ્યો હોય કે ગમે તેવા ભયંકર પાણીના પુર આવ્યા હોય છતાય આ રોડ ઉપર એક ઇંચ સુધ્ધાય પાણી ભરાતું નથી. આ આખો રોડ ખુબ ઉંચાણ ઉપર આવેલો છે અને રોડ ની આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી એક મિનીટ પણ ટકતું જ નથી અને આપોઆપ આજુબાજુના નીચાણવાળા વિસ્તાર તરફ નીકળી જાય છે. આ રોડ ઉપર છેલ્લા અઠવાડિયા થી જેસીબી દ્વારા ખોદી ને વરસાદી કાંસ બનાવવા માટે મોટા સિમેન્ટ ના ભૂંગળા જમીનમાં ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જે બિલકુલ આશ્ચર્યજનક છે. જ્યાં કોઈ દિવસ વરસાદનું એક ઇંચ પણ પાણી ભરાતું નથી ત્યાં વરસાદી ડ્રેનેજ બનાવવા માટે રૂપિયા વેડફવાના કોના લાભ માટે ? આ વરસાદી કાંસના ખર્ચેલા રૂપિયાથી ફાયદો માત્ર કોન્ટ્રાકટર અને ટેન્ડર બનાવનાર કાર્યપાલક ઈજનેરને જ થાય તેવું સ્પષ્ટ જણાય છે. આજ દિવસ સુધીમાં કાસમહાલા પાસેના બ્રીજ બાદ શરુ થતા કારેલીબાગ ની અતુલપાર્ક સોસાયટીથી જીવનભારતી ચાર રસ્તા સુધીના રોડ ઉપર પાણી ભરાઈ રહેતું હોવાની એક પણ ફરિયાદ પણ આવેલી નથી કે પાલિકા દ્વારા પાણી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવાની જરૂર પણ પડી નથી. ત્યારે, આવું ભ્રષ્ટાચારી સુચન કરનાર કોણ છે અને તેનો ઈરાદો શું છે તે તપાસનો વિષય છે. આમ તો આ રોડ ઉપર વરસાદી કાંસ બનાવ્યા બાદ ફાયદો થવાની જગ્યા એ આજુબાજુના રહીશોને નુકશાન એવું થઇ શકવાની સંભાવના છે કે રોડ ઉપર બંધાઈ રહેલા કેટલાક કોમર્શીયલ બિલ્ડીંગ વાળા પોતાના ડ્રેનેજ કનેક્શન આ નવી બનાવાતી વરસાદી કાંસમાં જોડી દેશે અને તે કાંસ સીધી નાગરવાડા/બહુચરાજી કુદરતી વરસાદી કાંસમાં ઠલવાશે. જેથી કુદરતી નદી જેવી વરસાદી કાંસને ગટર બનાવી દેશે. આ સાથે માંગ કરીએ છીએ કે જ્યાં વરસાદનું એક ઇંચ સુધ્ધાય પાણી ભરતું નથી, વરસાદી પાણી નિકાલ ની કોઈ સમસ્યા નથી, રહીશોની કોઈ ફરિયાદ નથી ત્યાં પાલિકા ના રૂપિયાનો વ્યય કરીને રોડ તોડીને નંખાતી વરસાદી કાંસ માટે ટેન્ડરની ડીઝાઈન કરનાર કાર્યપાલક ઈજનેર ઉપર સખત માં સખત કાર્યવાહી કરીને તેમના પગારમાંથી વ્યય કરાતા રૂપિયા વસુલવામાં આવે, તાત્કાલિક કામ રોકી તપાસ કરવામાં આવે અને આવા નગરજનોના રૂપિયાનો ભ્રષ્ટાચારી વ્યય કરનાર કાર્યપાલક ઈજનેર ઉપર વિભાગીય તપાસ મુકવામાં આવે તમજ આવા કાર્યપાલક ઈજનેરને અન્ય તમામ જવાબદારી વાળા કામોમાંથી દર કરવામાં આવે.