સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીએ પરિણીતા સાથે સંપર્ક કર્યો, હરણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચ્યો
વડોદરા તારીખ 5
સોશિયલ મીડિયા પરથી સંપર્કમાં આવેલા શખ્સે વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને હરણી વિસ્તારમાં આવેલી હોટલમાં મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ આ શખ્સે મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ગુનો નોધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને વિશ્વાસમાં લઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીત મહિલાનો સોશિયલ મીડિયાના માધ્યમથી સાગર મકવાણા નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો. જેના કારણે બંને એકબીજા સાથે મોબાઈલ પર કોલિંગ તથા મેસેજ દ્વારા વાતો કરતા હતા. જેના કારણે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મહિલાનો વિશ્વાસ જીતી ગયેલા શખસે તેને મળવા માટે હરણી વિસ્તારમાં આવેલા તળાવ પાસે બોલાવી હતી. દરમિયાન મહિલાને હોટલના રૂમમાં શાંતિથી બેસી વાતો કરવાનું કહીને ગોલ્ડન ચોકડી પાસેની સાઈ શ્રદ્ધા હોટેલમાં ગયો હતો. ત્યારબાદ આ શખ્સ દ્વારા ચાકુ બતાવીને મારી નાખવાનો ડર બતાવીને મહિલા પર બળજબરીપૂર્વક બેવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાગર મકવાણાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસે યુવતી મેડિકલ કરાવવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.