ટ્રાફિક અને એમવી એક્ટના નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે પોલીસની ઝુંબેશ યથાવત
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરામાં ટ્રાફિક નિયમોનું પાલન નહી કરી ઓવરસ્પીડમાં કાર દોડાવતા હોવાના કારણે વારંવાર અકસ્માત થતા હોય છે અને તેમાં નિર્દોષના જીવ પણ જાય છે. ત્યારે આવા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ સતત ઝુંબેશ ચલાવી રહી છે અને એમવી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર 14 વાહનો ડીટેઈન કરવા સાથે હેલ્મેટ નહીં પહેનાર ચાલકો સામે 63 કેસ કરાયા છે. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા તથા નડતરરૂપ હોય તેવા ટુ તથા ફોર વ્હિલર મળી 60 વાહનો ટોઇંગ કરાયા છે. નો પાર્કિંગમાં મુકેલી હોય તેવી કાર લોક કરી કુલ 60 કાર ચાલકો પાસેથી રૂ.43 હજારનો પણ દંડ વસુલાયો છે.
તાજેતરમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરી ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના કારણે ઘણા અકસ્માત થયા હતા અને તેમાં ઘણા નિર્દોષ લોકોમાં જીવન પણ ગયા છે. ત્યારે શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે મદદનીશ પોલીસ કમિશનર ડી.એમ.વ્યાસની સૂચના મુજબ ટ્રાફિક શાખા પશ્ચિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ટ્રાફિક પોલીસે એમવી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકોના 14 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત હેલ્મેટ નહીં પહેનાર ટુ વ્હીલર ચાલકો વિરુધ્ધ હેલ્મેટ ભંગના 63 કેસ કરવા સાથે વાહન ચાલકો પાસેથી રૂ.94 હજારનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત શહેરમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા અને નડતરૂપ થતા હોય તેવા ટુ અને ફોર વ્હિલર મળી 60 વાહનોને ક્રેઈનો દ્વારા ટોઇંગ કરાયા છે. પોલીસે રોડ પર જ કારને લોક કરી કાર્યવાહી કરી ચાલકો પાસેથી રૂ.43 હજારનો દંડ વસૂલ કરાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય તેમજ અન્ય ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર ચાલકો સામે સતત ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે આઠ મહિના બાદ ફરી શરૂ થયેલા ટોઇંગ વાનના કારણે જ્યાં ત્યાં વાહનો પાર્ક કરી દેતા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.