Vadodara

વડોદરા : હેડ કોન્સ્ટેબલને ભેજાબાજોએ રૂ.21.90 લાખનો ચુનો ચોપડ્યો

વડોદરા તા. 9

સાઇબર માફિયા દ્વારા હવે પોલીસના હેડ કોન્સ્ટેબલને ચુનો ચોપડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ કર્મચારીને વિવિધ પ્રોડક્ટોના પ્રમોટ અને રીવ્યુ કરવાના બહાને રૂ. 22.41 લાખ વિવિધ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. કોન્સ્ટેબલને ઓનલાઇન વેબસાઈટમાં કમિશન સાથે રૂપિયા 28.53 લાખ બતાવ્યા હોય તેમાંથી રૂ. 51 હજાર પરત કરી તેમનો વિશ્વાસ પણ કેળવ્યો હતો. ત્યારબાદ હજુ તમારો સ્કોર 96 ટકા છે બીજા રૂ. 8 લાખ ભરશો તમારો 100 ટકા સ્કોર થઈ જશે અને તમને રૂ.36.53 લાખ પરત મળશે તેવી લાલચ આપી હતી. પોલીસ કર્મચારી પાસે વધુ રૂપિયાની માંગણી કરાતા તેમને પોતાની સાથે ફ્રોડ થયો હોવાનો અહેસાસ થયો હતો. જેથી પોલીસ કર્મચારીએ બાકીના રૂપિયાની માંગણી કરી હતી પરંતુ આજ સુધી પરત નહીં આપતા તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની આઈડી પર ગત ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા આધ્ય નામની વ્યક્તિના આઇડી પરથી મેસેજ આવ્યો હતો. જેમાં તેણે શિફેરો કંપનીમાં ઇલેક્ટ્રોનીક અને ગારમેંટ્સનું ઓનલાઇન સેલીંગનુ કામ કરે છે. ત્યારબાદ પોલીસ કર્મચારીને યુવતીએ પાર્ટ ટાઇમ કામ કરી દિવસના 200થી 300 રૂપિયા કમાઇ શકો છો તેમ કહી કંપનીના પ્રોડકટની રિવ્યુ લિંક મોકલી હતી અને તેમા રજીસ્ટર થવા જણાવી ઈન્વિટેશન કોડ પણ આપ્યો હતો. વેબસાઈટમા અલગ-અલગ પ્રોડકટના રિવ્યુ કરવાના હોવાથી તેમણે ઇન્કવેસ્ટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઓનલાઇન શોપિંગની પ્રોડકટ કપડા, શૂઝ, પર્સ  સહિતની 30 પ્રોડકટના બે રિવ્યૂ ટાસ્ક આપી ગ્રુપમાં જોઇન કરાવ્યા હતા. ત્યારબાદ ભેજાબાજોએ અલગ અલગ પ્રોડક્ટના રિવ્યૂ અને પ્રમોટના નામે રૂ.22.41 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. કમિશન સાથે રૂ.28.53 લાખ ઓનલાઇન વેબસાઈટમાં પોલીસ કર્મીને બતાવ્યા હતા. તેમનો વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં રૂ 51 હજાર પરત કર્યા હતા ત્યારબાદ વેબસાઇટમાંથી રૂપિયા ઉપાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એક પણ રૂપિયા વિડ્રો થયો ન  હતો. જેથી પોલીસ કર્મચારીએ સપોર્ટ ટીમને મેસેજ કરતા તેમને  કંપની તરફથી એક લેટર મોકલ્યો હતો. જેમા તમારો ક્રેડિટ સ્કોર 96 ટકા છે 100 ટકા કરવા માટે બીજા રૂ.8 લાખ ભરવા પડશે અને જો તમે રૂપિયા ભરશો તો તમને રૂ.36.53 લાખ પરત મળશે. પરંતુ વધૂ રૂપિયાની માગણીથી પોલીસ કર્મચારીને શંકા જતા કોઈ નાણાકીય વ્યવહાર કર્યો ન હતો. તેઓએ કંપનીના મેલ આઈડી પર વેબસાઇટ બાબતે પુછતા આ વેબસાઈટ તેમની કંપનીની નથી અને સ્કેમર વેબસાઈટ છે તેવો રિપ્લાય આવતા પોતાની સાથે રૂ.21.90.લાખનો ફ્રોડ થયો હોવાનો અહેસાસ થયો હતો. જેથી પોલીસ કર્મચારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભેજાબાજો વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

 – વધારે રૂપિયાની પ્રોડક્ટ આવે તો 5 ગણુ કમિશન મળશે તેમ કહી લલચાવ્યાં શરૂઆતમાં  ભેજાબાજોએ તેમની વેબસાઇટમાંથી રૂ. 900 તેમના ખાતમાં જમા કર્યા હતા. ત્યારબાદ તેઓએ બીજા ટાસ્ક માટે રૂ. 10 હજાર તેઓએ આપેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જેના 15 હજાર પરત ખાતામાં કમિશન સાથે ક્રેડિટ કર્યા હતા. આમ ભેજાબાજોએ વધારે રૂપિયાની પ્રોડક્ટ આવે તો તેના 5 ગણુ કમિશન મળશે તેમ કહીને પોલીસ કર્મચારીને લલચાવ્યા હતા. ભેજાબાજાની વાતોમાં આવી જતા હેડ કોન્સ્ટેબલે લાખો ગૂમાવવાનો વારો આવ્યો છે.   

 

Most Popular

To Top