Vadodara

વડોદરા–હાલોલ હાઈવે પર હિટ એન્ડ રન, 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત

ગર્ભવતી પત્ની પાછળ છૂટી જતાં વિસ્તારમાં શોકની લાગણી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 23
વડોદરા–હાલોલ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ગત રોજ મધરાતે સર્જાયેલા ભીષણ હિટ એન્ડ રન અકસ્માતમાં 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે, જ્યારે તેની સાથે રહેલો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માતની સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતક યુવકની પત્ની હાલ ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામના રહેવાસી ગણેશ વસાવા (ઉં.વ. 25) અને તેનો મિત્ર મનીષ સુરેશભાઈ વસાવા (ઉં.વ. 22) છેલ્લા બે મહિનાથી વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા એક મોલમાં નોકરી કરતા હતા. ગત રાત્રે આશરે બે વાગ્યાના સુમારે બંને મિત્રો ફરજ પૂરી કરી મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા.
કોટંબી સ્ટેડિયમથી મછલીપુર ગામ તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે બાઈક ચલાવી રહેલો ગણેશ રોડ પર ફેંકાઈ ગયો અને તેને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પાછળ બેઠેલા મનીષને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જીને વાહનચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત મનીષને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મૃતક ગણેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદ હોસ્પિટલ ખસેડાયો હતો.
હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને ગણેશની ગર્ભવતી પત્નીની હાલત જોઈને હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
જરોદ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી આરોપી વાહન અને ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી ચાલી રહી છે.

Most Popular

To Top