Vadodara

વડોદરા હાલોલ રોડ ખાતે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકી સહિત 2 લોકોના મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત

(પ્રતિનિધિ), વડોદરા. તા.16

વડોદરા હાલોલ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં રેલીશ હોટલ પાસે રોડ ક્રોસ કરતી વખતે ઈકો કાર અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો કારમાં સવાર પરિવાર મેડી મદાર ગામના રહેવાસી હતા. આ અકસ્માત ખુબ જ ગંભીર હતો, જેમાં ઈકો કાર માં સવાર પુત્રી રક્ષાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું ધટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીના માતા પિતા ને સામાન્ય ઇજાઓ પહોચતા તત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાળકીના અચાનક મૃત્યુ ને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને ઘટનાસ્થળે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ બાઇક પર સવાર પરિવાર માંથી બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠલા 2 સંતાનોને પણ ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક તરફ બાઈક ચાલકના સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા છે, તો બીજી તરફ ઈકો કારમાં સવાર પરિવારે પોતાની લાડકી દીકરી ગુમાવી છે. એક જ ક્ષણમાં બે પરિવારોના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. સ્થાનિક લોકો પણ આ ઘટનાથી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અકસ્માતની જાણ થતા જ જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી વાહનવ્યવહાર પુનઃ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અકસ્માતના સાચા કારણોની તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top