Vadodara

વડોદરા : હાથીખાના માર્કેટમાં આવેલી રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ

ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજન માસ્ક સાથે કામગીરી હાથ ધરી :

આગની ઘટનામાં મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરાના હાથી ખાના માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઓક્સિજન માસ્ક સાથે કામગીરી હાથ ધરી હતી. દુકાનમાં રહેલ માલ સામાન અને ફર્નિચર સહિતની ચીજ વસ્તુઓ આગની લપેટમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

વડોદરા શહેરના સૌથી મોટા હાથી ખાના માર્કેટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. હાથીખાના માર્કેટમાં રાજા મસાલા ભંડાર નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં આગ લાગતા સ્થાનિક લોકોએ સર્વપ્રથમ દુકાન માલિકને જાણ કરતા વેપારી રાહુલ રામચંદાણી સહિત પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. જેથી તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે સમગ્ર દુકાનમાં આગ પ્રસરી ગઈ હોવાથી અને ધુમાડો ફેલાઈ ગયો હોવાથી ફાયર બ્રિગેડના જવાનું ને ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઘટનાને પગલે કુંભારવાડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સદ નસીબે કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ થતા ટળી હતી. દુકાન માલિક રાહુલ રામ ચંદાણીએ જણાવ્યું હતું કે અમારી દુકાન હાથીખાના માર્કેટમાં આવેલી છે. અમને ટેલીફોન જાણ થઈ હતી કે, અમારી દુકાનમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક અમે હાથીખાના દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અહીં આવ્યા તો આગ દેખાઈ રહી હતી. માલનું બધું બહુ જ નુકસાન થયેલું છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે. દુકાન ટોટલ લોસ થઈ ગઈ છે. આશરે 30 લાખ રૂપિયાનો માલસામાન અને પાંચ લાખ રૂપિયાનું ફર્નિચર છે.

Most Popular

To Top