ગુજરાતના હાઇવેની હોટલોમાં તોલમાપ કાયદાનો ભંગ, 183 હોટલ સામે કાર્યવાહી
ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરીની રાજ્યવ્યાપી ઝુંબેશ

ગુજરાતમાં હાઇવે પર આવેલી હોટલોમાં ગેરરીતિઓ સામે તોલમાપ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે રાજ્યના વિવિધ હાઇવે પર આવેલી હોટલોની અચાનક ચકાસણી હાથ ધરતા કુલ 183 હોટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ.4.63 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ પ્રકાશમાં આવી. જેમ કે, પેકેજ ચીજવસ્તુ અને ઠંડા પીણાં MRP કરતા વધુ ભાવે વેચવાના બનાવો, ખાદ્યપદાર્થનું વજન/જથ્થો ઓછો આપવાનો પ્રયાસ, રેસ્ટોરાંમાં મેનુ કાર્ડ પર વજન અને જથ્થાની સ્પષ્ટ માહિતી ન આપવી, હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટાને તોલમાપ કચેરીનો નિયમિત ચકાસણી મુદ્રાંકન ન કરાવવો જેવી ગેરરીતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

હાઇવે પર મુસાફરો સામાન્ય રીતે ઉતાવળમાં રહેતા હોવાથી, ઘણી હોટલો વધુ ભાવ વસૂલતી હોવાની ફરિયાદો વારંવાર આવતી હતી. કેટલાક સ્થળોએ વજન અને માપની ગેરરીતિઓ દ્વારા ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા. આવા કિસ્સાઓ અટકાવવા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ વડોદરાની 13 હોટલ પર પણ તોલમાપ તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમાં હરિયાલી રેસ્ટોરન્ટ, તુલીપ રેસ્ટોરન્ટ, ઓમ સાંઈ ખેતેસ્વર, જય અંબે સ્વીટ્સ એન્ડ ફરસાણ સહિતની હોટલોનો સમાવેશ થાય છે.