વડોદરા તારીખ 24
વડોદરા શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના કારણે અકસ્માતની સંખ્યા વધી ગઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા હવે આવા ઝડપે વાહન દોડાવતા ચાલકો પર અંકુશ મેળવવા માટે સ્પીડોમીટર દ્વારા મોનિટરિંગ કરાઈ રહ્યું છે. જો લિમિટ કરતાં વધારે સ્પીડમાં વાહન દોડાવતા હશો તો સ્પીડોમીટર દ્વારા ચલણ ફટકારવામાં આવશે. ત્યારે હવે પૂરઝડપે વાહન હંકારતા ચાલકોને દંડ ભરવા પડતા હવે આગામી દિવસોમાં અકસ્માતની ઘટના પણ સામાન્યતઃ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.
વડોદરા શહેરમાં વાહન ચાલકોને જાણે પોલીસને કોઈ પ્રકારનો ડર જ ન હોય તેમ ઓવર સ્પીડમાં કાર ચલાવવા સાથે વિવિધ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. જેના કારણે ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ કારેલીબાગ વિસ્તારમાં ચકચારી રક્ષિત કાંડમાં ચાલકે ઓવર સ્પીડમાં કાર ચલાવીને ત્રણ વાહનોને હવામાં ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનો મોત નીપજ્યું હતું. જ્યારે સાત લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા પૂરઝડપે વાહનો દોડાવતા હોય તેવા ચાલકો વિરુદ્ધ લાલ આંખ કરીને તેમના પર નિયંત્રણ રૂપી કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા રોડ પર સ્પીડોમીટર દ્વારા વાહન ચાલકો પર સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે અને આવા વાહન ચાલકો કેમેરામાં કંડારાશે અને નંબર પ્લેટ પર ક્લિક કરવામાં આવે તો ચાલકે લિમિટ કરતા વધારે સ્પીડમાં વાહન દોડાવતો હોય તો તેના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ થઈ જશે. સ્પીડોમીટર દ્વારા ચલણ ફટકારવાના કારણે પૂરઝડપે વાહન દોડાવતા ચાલકો પર અંકુશ મેળવવામાં આવશે. દંડ ફટકારવાના કારણે બીજીવાર ચાલક ઓવર સ્પીડમાં કાર નહીં દોડાવે અને અકસ્માતની શક્યતા ઘટશે.
