કાયમી કરવામાં નહીં આવતા ન.પ્રા.શિક્ષણ સમિતિના ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા શાસકોને રજૂઆત :
18 દિવસ તડકામાં આંદોલન કર્યું અને રાજકારણીઓએ અમને ઉઠાડયા અમે એમની મીઠી બોલીમાં આવી ગયા : કર્મચારી આગેવાન
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા સમિતિના અધ્યક્ષ અને શાસનાધિકારીને આવેદનપત્ર પાઠવીને ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગણી કરવામાં આવી છે. સાથે આગામી 15 જાન્યુઆરી સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે ત્યાં સુધી ને કામ નહીં થાય તો 16 જાન્યુઆરીથી હડતાલ પાડવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
લેબરકોટના ચુકાદા અને સામાન્ય સભામાં ઠરાવ કર્યા બાદ પણ કાયમી નહીં કરવામાં આવતા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ અને શાસનાધિકારીને પત્ર પાઠવી વહેલી તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, ચોથા વર્ગ કર્મચારી સંઘના આગેવાને જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા તારીખ 2 જાન્યુઆરી ના રોજ આવેદનપત્ર આપ્યું હતું. શાસનાધિકારીને,ચેરમેનને, વાઇસ ચેરમેનને તમામ સભ્યોને મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક શાસક પક્ષ અને મ્યુ.કમિશનરને આપ્યું છે. જેમાં અમારી એ જ માંગ છે કે, છેલ્લા 30-32 વર્ષથી કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા સાથે-સાથે અવારનવાર જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે, આમ કરીશું, તેમ કરીશું, આવું કહે છે અને છેલ્લે માર્ચ 2024માં એક કમિટી બનાવવાનું નક્કી કર્યું હતું. જે તે સમયના ચેરમેન મિનેષભાઈએ અને હાલના સાંસદ પૂર્વ ઉપાધ્યક્ષ હેમંગભાઈના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડે.કમિશનર સાથે મીટીંગ થઈ અને માર્ચમાં એક કમિટી બનાવવાનું નક્કી કર્યું હતું અને એ કમિટી પછી લોકસભા ઇલેક્શન આવી ગયું, ચોમાસુ આવી ગયું, પુર આવ્યું એને લઈને કમિટી છેક બની સાત ઓક્ટોબર 2024 ના રોજ. એટલે લગભગ ત્રણ મહિના થવા આવ્યા પણ હજી સુધી આગળ કામ નહીં વધતા અને અમારા કર્મચારીઓની જે ધીરજ છે એ ખૂટી જતા અમે લોકોએ આ બે તારીખે આવેદનપત્ર આપ્યું છે અને 15 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ત્યાં સુધીમાં અમારું કામ નહીં થાય તો અમે 16 તારીખથી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાના છે. અમે 18 દિવસ તડકામાં આંદોલન કર્યું હતું અને રાજકારણીઓ અમને ઉઠાડીને અમે એમની મીઠી બોલીમાં આવી ગયા અને એમણે આપેલી લોલીપોપ અમે પકડી લીધી હતી, પણ આ વખતની હડતાલ એવી રહેશે કે 18 દિવસની અગાઉ હતી પણ હવે, 18 મહિના થશે તો પણ અમે ઉભા થવાના નથી અને પ્રેમથી જ અમે અલ્ટીમેટમ આપ્યું છે. 15 તારીખ પહેલા મારું કામ કરો તો અમે હડતાલ નહીં પાડીએ.