Vadodara

વડોદરા : હરિયાણાથી રૂ. 80.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપાયો

ગ્રામ્ય એલસીબી પોલીસે ભરૂચ વડોદરાના ટ્રેક પર લક્ષ્મીપુરા ગામ પાસેથી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને દબોચી લીધો, દારૂ અને ટ્રક મળી રૂપિયા 91.10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

વડોદરા તા.20
હરિયાણાથી રૂપિયા 80. 98 લાખનો વિદેશી દારૂનો જથ્થો આઇશર ટ્રકમાં ભરીને વડોદરા આપવા આવી રહેલા ચાલકને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ભરૂચ વડોદરા રૂટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેથી એલસીબીએ દારૂ અને ટ્રક સહિત રૂપિયા 91.10 લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વડોદરા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
વડોદરા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહીબીશન, બુટલેગર્સ, ડ્રગ્સ ગાંજા સહિતનો ગેરકાયદે ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ, જુગારીયાઓ તેમજ વિદેશી દારૂની હેરાફેરીની સાથે સંકળાયેલા આરોપીઓ સામે ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચના ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી.
જેના આધારે ગ્રામ્ય એલસીબી પીઆઈ કે.આર.સિસોદીયા દ્વારા તેમની ટીમને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો શોધી કાઢવાની સાથે સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો ઉપર વોચ રાખી ઝડપી પાડવા આદેશ જણાવ્યું હતું. જેથી એલસીબીની ટીમ ગુરુવારે સાંજથી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી. દરમ્યાન એલસીબી ટીમ ને બાતમી મળી હતું કે, એક આઇસર ટ્રકમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ભરૂચ તરફથી આવી આવી રહ્યો છે.
જે બાતમી આધારે એલસીબી ટીમ દ્વારા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરૂચથી વડોદરા તરફની ટ્રેક ઉપર લક્ષ્મીપુરા ગામે બ્રીજથી 200 મીટરના અંતરે ભાયલી તરફ આઇશર ટ્રકની વોચ ગોઠવી હતી. દરમીયાન બાતમીવાળી આઇશર આવતા તેને એલસીબીએ ટ્રકને ઝડપી પાડી હતી. ત્યારે આઇશર ટ્રકમાં ડ્રાઇવર એકલો બેઠેલો હતો. જેનું નામ પુછતા શિન્દરપાલસિગ ચંદસિંગ જટ (હાલ રહે.પુષ્પ નારાયણ કોમ્પલેક્ષ, વિચુમ્બે, દેવદ પો-ઓ એન.જી.સી. તા.પનવેલ જી.રાયગઢ મહારાષ્ટ્ર તથા મુળ રહે.ફીરોજપુર પંજાબ) નો હોવાનું જણાવ્યું હતું. તેને સાથે રાખી આઈશર ટ્રકનો પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા 80.98 લાખનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વિદેશી દારૂ તથા આઇસર ટેમ્પો 10 લાખ તથા મોબાઇલ ફોન-1 તથા રોકડા રૂપીયા મળી રૂ.91.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
એલસીબી દ્વારા ઝડપાયેલા ડ્રાઇવરને વિદેશી દારૂનો જથ્થો કયાંથી ભરી લઈ આવ્યો હતો અને કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતા વિજય ચોધરી (રહે.હરીયાણા સાજાપુર) એ કોઈ માણસ મારફતે હરીયાણાના બાદલી પાસે આવેલા કુકરાપુર ટોલનાકા ઉપરથી વિદેશી દારૂ ભરેલી આઇશર ટ્રક આપેલી હતી અને આ વિદેશી દારૂ ભરેલ ટ્રક વડોદરા ખાતે લઇ જવાનું જણાવ્યું હતું. જેથી ડ્રાઇવરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર તથા મંગાવનાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top