હેડકવોટર્સ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ ધરણા ચાલુ રાખ્યા :
ધરણા માટેની પરવાનગી માંગવામાં આવી છતાં આપવામાં નહિ આવી :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.18
હરણી બોટકાંડની અર્ધવાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે મૃતકોના પરિવારને ન્યાય આપવાની માગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ ધરણાં કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
વડોદરામાં ગત તા.18મી જાન્યુઆરીના રોજ હરણી મોટનાથ તળાવ ખાતેના હરણી લેકઝોન ખાતે બાળકો તથા શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા ત્યાં ગુજરાતને હચ મચાવી દીધી હતી. તે સમયે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદારોને બક્ષવામા નહીં આવે તેમ જણાવ્યું હતું. પરંતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે. નામદાર ગુજરાત હાઇકોર્ટે દ્વારા સરકાર અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂર્વ મ્યુનિ. કમિશનર એચ.એસ.પટેલ તથા વિનોદ રાવ મુદ્દે પણ જવાબદેહી નક્કી કરવા સૂચના આપવામાં આવી છે.
18 જુલાઇ ગુરુવારે હરણી બોટકાંડના મૃતકોની અર્ધવાર્ષિક પૂણ્યતિથિ છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ 14 મૃતકોના પરિવારને ન્યાય આપવાની માગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણાં પર બેઠા હતા, સાથે જ તેમણે જવાબદાર દોષિતોને જેલભેગા કરવાની માંગ કરી હતી.તે દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડકવોટર્સ લઈ જવાયા હતા,જોકે ત્યાં પણ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા સહિત આગેવાનો અને કાર્યકરોએ ધરણા ચાલુ રાખ્યા હતા.