Vadodara

વડોદરા : હનુમાન જયંતિને લઈ મુકેલા ફરાસખાનાના સામાનમાંથી વાસણોની ચોરી કરતા તસ્કર સીસીટીવી કેમેરામાં કંડારાયો

તસ્કર રિક્ષામાં સામાન મૂકીને નો દો રફુચક્કર થઈ ગયો

વડોદરા તા.15

વડોદરા શહેરમાં તસ્કરોએ આતંક મચાવી મૂક્યો છે. તસ્કરો રોજેરોજ ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે હનુમાન જયંતી નિમિત્તે ભંડારાના આયોજન બાદ ફરાસખાનાનો સામાન આજવા રોડ નવજીવન પાસેની સોસાયટી નજીક મૂક્યો હતો. ત્યારે મોડી રાત્રિના રિક્ષામાં આવેલા તસ્કરે ફરાસખાનાના સામાનમાંથી કેટલાક વાસણોની ચોરી કરીને રિક્ષામાં મુકી ફરાર થઈ ગયો હતો. જોકે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કંડારાઈ ગઈ હતી.
વડોદરા શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તસ્કરોનો આતંક વધી ગયો છે અને મંદિર તથા મકાનોમાં ચોરીને અંજામ આપી પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. તાજેતરમાં જ હનુમાન જયંતીના દિવસે વિવિધ જગ્યા પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના આજવા રોડ નવજીવન પાસે પણ હનુમાન જયંતી નિમિત્તે ભંડારાનું આયોજન કર્યા બાદ મોડી રાત્રિના સમયે ભંડારામાં ઉપયોગમાં લેવામાં આવેલા ફરાસખાનાના વાસણો ઉન્નતિ કો ઓપરેટિવ સોસાયટી પાસે મૂકવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રિના સમયે તસ્કર રિક્ષામાં આવ્યો હતો અને ફરાસખાનાના મુકેલા સામાનમાંથી કેટલોક સમાન ચોરી રીક્ષામાં મૂક્યા બાદ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે સામાન ચોરી કરવા આવેલો રીક્ષા ચાલક સોસાયટીના નાકે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

Most Popular

To Top