ગરીબોના લારી-ગલ્લાં દેખાય છે પણ લક્ઝરી માફિયાઓનું દબાણ કેમ નહીં ?
પીએનટી કોલોની પાસે ફૂટપાથ પર ખાનગી બસોનું સામ્રાજ્ય, ગરીબની લારી હટાવતું પાલિકાનું તંત્ર ‘લકઝરી માફિયા’ સામે લાચાર


(પ્રતિનિધિ), વડોદરા. તા.2
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના સપના બતાવીને કરોડો રૂપિયા ફૂટપાથ અને રોડ-રસ્તા પાછળ ખર્ચવામાં આવે છે. પરંતુ આ સુવિધાઓ કોના માટે છે ? પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા ફૂટપાથ પર અત્યારે પ્રજા નહીં, પણ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસોનું સામ્રાજ્ય ચાલે છે. શહેરના સમા ઊર્મિ બ્રિજ ઉતરીને અમિતનગર સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પર ડાબી બાજુ, પીએનટી (P&T) કોલોની, અમિતનગર સુવેઝ પંપિંગ સ્ટેશન પાસે જે દ્રશ્યો જોવા મળે છે તે પાલિકાના દબાણ શાખાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. પીએનટી કોલોની પાસે આવેલા ફૂટપાથ પર ખાનગી કંપનીની લકઝરી બસોએ જાણે કાયમી પડાવ નાખ્યો હોય તેમ આખો દિવસ આ બસો ત્યાં જ ખડકાયેલી રહે છે. પરિણામે, લાખોના ખર્ચે બનેલો ફૂટપાથ બસો નીચે દબાઈ ગયો છે. રાહદારીઓએ જીવના જોખમે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની વચ્ચે ચાલવું પડે છે. પ્રશ્ન એ થાય છે કે, શું આ ફૂટપાથ નાગરિકો માટે બનાવવામાં આવ્યા છે કે ખાનગી બસોના ફ્રી પાર્કિંગ માટે ? પાલિકાનું દબાણ શાખા તંત્ર જ્યારે કોઈ ગરીબ લારી-ગલ્લા વાળો પોતાનું ગુજરાન ચલાવવા રસ્તાના છેડે ઊભો રહે, ત્યારે તુરંત એક્શન મોડ માં આવી જાય છે. ગરીબોની લારીઓ જપ્ત કરવામાં આવે છે અને તેમનો માલસામાન વેરવિખેર કરી નાખવામાં આવે છે. પરંતુ, આટલી મોટી ખાનગી બસો આખા ફૂટપાથને બાનમાં લે છે, ત્યારે પાલિકાના અધિકારીઓને કેમ મોતિયા આવી જાય છે ? શું નિયમો ફક્ત ગરીબ અને મધ્યમ વર્ગ માટે જ છે ? શું મોટા માથાઓ સામે કાર્યવાહી કરતા પાલિકાના હાથ ધ્રૂજે છે ? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક અસરથી આ સ્થળની મુલાકાત લે અને ફૂટપાથ પરથી આ ગેરકાયદેસર બસોનું દબાણ હટાવે તેવી લોકમાંગ ઉઠી છે. જો લારી-ગલ્લા હટાવી શકાતા હોય, તો આ બસો કેમ નહીં ? વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની કાર્યશૈલી હંમેશા વિવાદમાં રહી છે. જ્યારે કોઈ ગરીબ માણસ પોતાના પરિવારનું પેટ ભરવા માટે રસ્તાના ખૂણે લારી ઊભી રાખે, ત્યારે તંત્રના સિંઘમ જેવા અધિકારીઓ ત્રાટકે છે. ગરીબોની લારીઓ ઉઠાવી લેવાય છે, માલસામાન જપ્ત થાય છે અને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ, પીએનટી કોલોની પાસે જ્યારે લાખો રૂપિયા ની લક્ઝરી બસો આખો ફૂટપાથ પચાવી પાડે છે, ત્યારે તંત્રની બહાદુરી ક્યાં ગાયબ થઈ જાય છે ? શું આ બસ સંચાલકોને પાલિકાના કોઈ ઉચ્ચ અધિકારી કે રાજકીય નેતાના આશીર્વાદ છે ? આ સવાલ આજે શહેરના જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.