સેવાસદન પાછળ જ દૂષિત પાણીની વર્ષો જૂની સમસ્યા, નવી લાઇન નખાયા છતાં નરક જેવી સ્થિતિ
વડોદરાવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત; સ્થાનિકોએ કોર્પોરેટરને બોલાવ્યા
વડોદરા: શિયાબાગ-બોરડી ફળિયા વિસ્તારના રહીશોને છેલ્લા કેટલાક સમયથી પીવા માટે દૂષિત અને ગંદુ પાણી મળી રહ્યું છે. નવી લાઈન નાખ્યા બાદ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી છે. પાણીમાં જીવડાં આવવાની ફરિયાદો વચ્ચે સ્થાનિકોએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ ઠાલવ્યો છે અને તાત્કાલિક નિરાકરણની માગ કરી છે.

વડોદરા શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવાના દાવાઓ વચ્ચે પણ શહેરના હૃદય સમા સેવાસદન કચેરીની પાછળના શિયાબાગ બોરડી ફળિયા સહિતના વિસ્તારોમાં નાગરિકોને વર્ષો જૂની પાણીની પ્રાથમિક સુવિધા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા ફરી માથું ઊંચકી છે, પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દિવાળીના સમયે વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવામાં આવી હતી. લોકોને આશા હતી કે હવે પીવાનું સ્વચ્છ પાણી મળશે, પરંતુ નવી લાઈન નાખ્યા બાદ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી. હવે નળમાંથી જીવડાંવાળું, દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે કામગીરીમાં યોગ્ય ધ્યાન આપ્યું નથી, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય વધી ગયો છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “મેયર અને સત્તાધીશો ‘ઘર ઘર નલ, ઘર ઘર જલ’ના આશ્વાસન આપે છે, પણ વાસ્તવિકતામાં નહાવાની તો દૂરની વાત, નવી લાઈનોમાંથી પણ કોઈ વપરાશમાં પાણી લેવાય એવું આવતું નથી. આ દૂષિત પાણીના કારણે વિસ્તારમાં બીમારીઓ પણ વધી રહી છે.”
પાણીની લાઇન નાખવાની કામગીરી બાદ ઈજારદાર દ્વારા રોડ-રસ્તાની કામગીરી પણ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી નથી. લાઈન નાખ્યા પછી યોગ્ય પુરાણ ન થવાના કારણે રસ્તો બેસી ગયો છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેને કારણે સિનિયર સિટીઝનોને અવર-જવરમાં ખૂબ તકલીફ પડે છે અને પડી જવાનો ભય રહે છે. સ્થાનિકોએ જણાવ્યું કે અધૂરા કામના લીધે બાળકો પણ માટીમાં પડી ગયા છે. મહિનાઓ વીતી ગયા હોવા છતાં રોડ રસ્તાની યોગ્ય કામગીરી ન થતાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.
સમસ્યાના નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાલુ સુર્વેને સ્થળ પર બોલાવ્યા હતા. કોર્પોરેટર સુર્વેએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લા એક મહિનાથી આ સમસ્યા અંગે તંત્રના અધિકારીઓને જાણ કરી છે, છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે જો ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરને વિસ્તારના લોકો સાથે રાખી રજૂઆત કરવામાં આવશે.

સ્થાનિકોએ સામૂહિક રીતે રોષ વ્યક્ત કરતા ચીમકી ઉચ્ચારી છે કે રજૂઆત બાદ પણ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં તેઓ આ દૂષિત પાણી સત્તાધીશોને પીવાની ફરજ પાડશે. વર્ષોથી ચાલતી આ પ્રાથમિક સુવિધાની સમસ્યા સામે હવે સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.