1500 રૂ.મહિનાની જગ્યા પર દર બે ત્રણ દિવસે રિચાર્જ કરવું પડતું હોવાના આક્ષેપ :
લોકોએ સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જૂના મીટર જ યથાવત રાખવા માંગ કરી :
( પ્રતિનિધિ ) વડોદરા તા.13
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. જોકે શહેરના કેટલાક ગ્રાહકોને સ્માર્ટ મીટરના કારણે વધુ વીજ બીલ આવતું હોય રોષે ભરાયા હતા. ગ્રાહકોએ એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો હતો અને સ્માર્ટ મીટર કાઢી નાખવા માંગ કરી હતી.
એમજીવીસીએલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી સ્માર્ટ મીટર નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં પણ થોડા સમય પહેલા સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા હતા. જોકે લોકોનું રિચાર્જ દર બે ત્રણ દિવસમાં પતિ જતું હોય એવરેજ દર મહિને 2 થી 3 હજાર બીલ આવતા લોકો રોષે ભરાયા હતા અને ગોરવા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો હતો. જેના કારણે પોલીસ બોલાવાની અધિકારીને ફરજ પડી હતી.
રજૂઆત કરવા પહોંચેલા એક રહીશે જણાવ્યું હતું કે હાલની તારીખે જે સ્માર્ટ મીટર લગાવ્યું છે. આ પહેલા ત્રણ મહિનાનું બિલ મારું દર બે મહિને રૂ.1,000 બિલ પહેલા આવતું હતું. હાલની તારીખે દસ દિવસમાં રૂ.1,000 નું રિચાર્જ કરાવવું પડે છે. એમ જોવા જઈએ તો મારું બે મહિનાનું જે બિલ 1 હજાર આવતું હતું. જે અત્યારે બિલ 6 હજાર રૂપિયા આવશે અને દર 10 દિવસે રિચાર્જ કરાવવું પડશે. દરરોજ 80-90 રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે. 300 રૂપિયા સુધીની છૂટ આપે છે પણ એનાથી માઇનસમાં થાય તો ઓટોમેટીક કનેક્શન કટ થાય છે અને જે બિલ અમારું 1200 થી 1,500 આવતું હતું. ઉનાળાની અંદર એ હાલની તારીખે 6 હજાર રૂપિયા આવે છે. દર 10 દિવસે અમારે રિચાર્જ કરવું પડે છે. દરરોજનું 80-90 રૂપિયાનું બળી રહ્યું છે. અમારી એક જ માંગ છે કે જે સ્માર્ટ મીટર લગાવ્યા છે એ કાઢી નાખો જે જૂના મીટરો હતા એ લગાવી આપો.
મહિલા ગ્રાહકે જણાવ્યું હતું કે, મારો દીકરો બીમાર છે અઠવાડિયાથી અને મારું બિલ રિચાર્જ હોવા છતાં પણ મારું કનેક્શન સવારથી કપાઈ ગયું છે. હું તાવમાં મારા બાબાને લઈને આવી છું, તો પણ અધિકારી દરવાજો ખોલતા નથી. અમને એમના સ્માર્ટ મીટર નથી જોઈતા. અમને પૂછ્યા વિના આ સ્માર્ટ મીટરો નાખ્યા છે. રિચાર્જ કરવા છતાં પણ જો કનેક્શન કપાઈ જતું હોય તો શું મતલબ ? અમારું 700 થી 800 રૂપિયા બિલ આવે છે. પૂછ્યા વગર આ કનેક્શન નાખ્યા છે. અમને જુના કનેક્શન પાછા જોઈએ છીએ. 700 થી 800 બિલ આવતું હતું અને ઘરે અમે વધુ હોતા નથી. એટલા માટે એસી હમણાં આ વર્ષે જ નખાયું છે એક મહિનો થયો છે. મારું રિચાર્જ હોવા છતાં કપાઈ ગયું છે. કોઈપણ પ્રકારની નોટિસ પાઠવી નથી અમને પૂછ્યા વગર સ્માર્ટ મીટર નાખી દીધું છે .