વાઘોડિયા રોડ દર્શનમ અર્ટિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી વરસાદી કાંસ અને ડ્રેનેજ લીકેજ :
લાઈન રીપેરીંગ કરવાની જગ્યાએ ઉપર રોડ બનાવવાની કામગીરી કરતા રોડ બેસી ગયો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. પાણીની લાઈન લીકેજ હોવા છતાં તેના ઉપર રોડ બનાવવની કામગીરી કરતા તેમજ સ્થાનિક રહીશોની ફરિયાદની પણ અવગણના કરતા કોર્પોરેશન ( VMC ) નું જ ડમ્પર આ રોડમાં ફસાઈ ગયું હતું. જેના કારણે સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીના બાજુમાં દર્શનમ અર્ટિકા આવેલું છે. જ્યાં છેલ્લા પાંચ મહિનાથી કોર્પોરેશન તંત્ર દ્વારા વરસાદી કાંસ અને ડ્રેનેજ આ બંને પાઇપલાઇનનો લીકેજ થઈ હોય તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ લાઈનો બદલવાની જગ્યા પર તેની પર જ રોડ બનાવવાની કામગીરી કરતા કોર્પોરેશનની ઘોર બેદરકારી છતી થઈ છે.
સ્થાનિક રહીશ હિતેશ પટેલે જણાવ્યું હતું કે, વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી ની બાજુમાં દર્શનમ અર્ટિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી વરસાદી કાંસ અને ડ્રેનેજ આ બંને પાઈપ લાઈનો લીકેજ હતી જેથી અમે કોર્પોરેશનને વારંવાર કહેવા છતાં કામગીરી એકદમ ગોકળ ગતિએ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અમે કોર્પોરેટરોને રજૂઆત કરીએ છીએ ફોટા પણ મોકલ્યા છે કે, હજી વરસાદી પાણીની લાઈન બદલી નથી અને પાણી નીચેથી લીકેજ છે. માટી પણ ખૂબ જ ચીકણી છે,તો આ રસ્તો બનાવવાની કામગીરી હાલ બંધ કરો પહેલા પાઇપલાઇન બદલો પરંતુ અત્યાર સુધી તેઓએ કશું કર્યું નહીં અને રોડનું કામ ચાલુ કરી દીધું એનું પરિણામ એક રેતી ભરેલું ડમ્પર રોડમાં ફસાઈ ગયુ છે. સાંજના સમયે, આ લોકોએ જે બેરીકેટ મૂકી રાખ્યું હતું તે બેરીકેટને ગઈકાલથી હટાવી દીધું છે. જેના કારણે વાહન વ્યવહાર ફરી શરૂ થઈ ગયો અને રાત્રે આ ભારદારી ડમ્પર રોડ ની અંદર ફસાઈ ગઈ છે. હાલ ક્રેઇનની મદદથી આ ડમ્પરને બહાર કાઢવાની ફરજ પડી હતી.