Vadodara

વડોદરા સ્થાનિક ચૂંટણી માટે IAS લોચન સેહરા નિરીક્ષક નિયુક્ત

રાજ્ય ચૂંટણી આયોગ એક્શન મોડમાં, ચૂંટણી પ્રક્રિયા પર રહેશે કડક નજર

(પ્રતિનિધિ), વડોદરા. તા.9
વડોદરા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગે વરિષ્ઠ IAS અધિકારી લોચન સેહરાને વડોદરા વિસ્તાર માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

ભારતના સંવિધાનના અનુચ્છેદ 243(K) અને 243(ZA) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરી આ નિયુક્તિ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને પંચાયત ચૂંટણી સંબંધિત નિયમોની જોગવાઈઓ હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે.

હાલ ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા લોચન સેહરા અનુભવી અને કડક વહીવટી અધિકારી તરીકે જાણીતા છે. તેમની દેખરેખ હેઠળ વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ ડભોઈ, પાદરા, સાવલી અને વાઘોડીયા નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

ચૂંટણી નિરીક્ષક તરીકે તેમની જવાબદારીમાં ચૂંટણીલક્ષી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવી, આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત કરવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમજ મતદારો માટે નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું સામેલ રહેશે.

આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં પણ હલચલ તેજ બની છે. અનુભવી અધિકારીની કડક દેખરેખ હેઠળ યોજાનારી ચૂંટણીમાં તમામ પક્ષોએ હવે નિયમોનું કડક પાલન કરવું પડશે. આ પગલાથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધશે અને લોકશાહી પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

Most Popular

To Top