શ્રી નારાયણ વિદ્યાલયના બાળકોના વાલીઓએ મોરચો માંડ્યો , દુર્ઘટના બાદ સીલ ખોલી આપવા શાળા સંચાલકો અને વાલીઓની માંગણી :
ફક્ત એક દિવસ માટે શાળાનું ફર્નિચર બેન્ચ કાઢવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સીલ ખોલી આપવાની તંત્રે સહમતી દર્શાવી :
( પ્રતિનિધિ ),વડોદરા.તા.22
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં બાલ્કનીનો ભાગ ધરાશાઈ થતા 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ પાલિકાએ સાવચેતીના ભાગરૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી.જેને લઈને વિદ્યાર્થીઓનું ભણતર અટવાઈ પડ્યું છે.ગુરુવારે વાલીઓનો મોરચો પાલિકા કચેરીએ મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા આવી પહોંચ્યો હતો.જ્યા બાળકોના ભણતરની ચિંતા કરી સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી.
શહેરના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ વર્ગખંડમાં બાલ્કનીનો એક ભાગ કકળભુસ7 થયો હતો. આ દરમિયાન વર્ગખંડમાં બેસેલા 5 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા થોડા સમય પહેલા જ શાળા ઇમારતનું રીનોવેશન કરાવ્યું હતું તેમ છતાંય શાળામાં એક ભાગ ધરાશાયી થતા સમગ્ર સ્ટ્રક્ચર શંકાના દાયરામાં આવી ગયું હતું. દુર્ઘટના સર્જાઈ તે સમયે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ કપુરાઈ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી. જ્યારે પાલિકા દ્વારા સાવચેતીના ભાગ રૂપે શાળા ઇમારત શીલ કરી દીધી હતી. જે બાદથી શાળા સંચાલકોએ તમામ ધોરણના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું. જોકે વાલીઓની ફરિયાદ હતી કે, બાળકો ઓનલાઈન શિક્ષણમાં ભણતા ન હોય શાળા શરૂ કરવી જોઈએ. જે માટે ગત રોજ જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરીને શાળા સંચાલકો એલ.સી ન આપતા હોવાની રજુઆત કરી હતી. આ દરમિયાન વાલીઓનું એક સમૂહ પાલિકા કચેરીએ આવી પહોંચ્યા હતા અને શાળા ઇમારતનું સીલ ખોલી આપવાની માંગણી કરી હતી. જેમાં શ્રી નારાયણ વિદ્યાલયના કહેવાતા ટ્રસ્ટી પણ સાથે હાજર રહ્યા હતા. વાલીઓ અને ટ્રસ્ટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળ્યાં હતાં. મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કર્યા બાદ ફક્ત એક દિવસ માટે શાળાનું ફર્નિચર તેમજ બેન્ચ કાઢવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સીલ ખોલી આપવાની સહમતી દર્શાવી હતી. જોકે જે ઇમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી એ ઇમારતની મજબૂતી નિર્ધારીત ન થાય ત્યાં સુધી તેમાં શૈક્ષણિક નહીં શરૂ કરી શકાય તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે નહીં તો તમામની સ્કૂલ પણ હું સીલ કરીશ :
આ ગંભીર મુદ્દો છે કે બાળકો ઈજા થઈ અને સ્કૂલ પડી એમણે બે કરોડ ખર્ચા કે એનાથી વધારે ખર્ચા એ અમને ખબર નથી. બે કરોડ ખર્ચ્યા પછી પણ સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે અમારો વિષય એટલો છે કે સ્કૂલ ના પડવી જોઈએ. સ્ટેબિલિટી અને સિક્યુરિટી રહેવી જોઈએ બાળકોની સુરક્ષા રહેવી જોઈએ, આ ત્રણ મુદ્દા ઉપર અમે અમારું કામ કરી રહ્યા છે અમે સ્કૂલ શીલ જ રાખી છે જ્યાં સુધી સ્ટ્રકચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે ત્યાં સુધી શીલ જ રહેશે. સ્કૂલ જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે એ વ્યાજબી છે અમે આ પરમિશન આપીને એમનું ફર્નિચર કાઢવા દઈએ છે આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે લગભગ એક મહિનાથી જુમ્બેટ ચાલે છે ઘણા બધા સ્કૂલના સંચાલકો અહીંયા રજૂ કર્યા છે આપના માધ્યમથી વડોદરાની તમામ સ્કૂલના કહેવા માંગુ છું કે સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે નહીં તો તેમની સ્કૂલ પણ હું સીલ કરીશ : દિલીપ રાણા,મ્યુ.કમિશ્નર