ઉમા વિદ્યાલયમાં વિદ્યાર્થીને આંખમાં પેન વગતા ઈજા પહોંચી હતી
વાલી મંડળની સ્કૂલ સંચાલકોને વિદ્યાર્થીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.28
તરસાલીમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ધો.6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાવિકને બીજા વિદ્યાર્થીઓ મસ્તી કરતા સમયે પેન છુટ્ટી ફેંકતા તેને ડાબી આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે આ ઘટનાના બે કલાક બાદ વાલીને જાણ કરવામાં આવી હતી. ગરીબ પરિવારના આ એકના એક દીકરાને આજે યોગ્ય સારવાર નહીં મળતા પગ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પિતા મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે આજરોજ વાલી મંડળ તેમના વહારે આવ્યું હતું સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી.

શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરા કારેલીબાગ સંચાલિત સ્ત્રી કેશવ ગોવર્ધન કેળવણી સંકુલમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ગત તા.13 માર્ચના રોજ બપોરની પાળીમાં ગુજરાતી માધ્યમમાં ધો.6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાવિક વણકર રાબેતા મુજબ 12:30 કલાકે સ્કૂલમાં ગયો હતો. પ્રથમ પિરિયડ પૂરો થયો હતો. આ વખતે રીતુ મેડમ હતા. બીજો પિરિયડ શરૂ થાય એ સમય દરમિયાન બીજા વિદ્યાર્થી ઈશાન અને હેત આ બે બાળકો મસ્તી કરતા હતા. જેમાં ઈશાને હેતને છૂટી પેન મારી હતી. જોકે આ પેન હેતને વાગવાને બદલે ઉડીને સીધી ભાવિકની આંખમાં વાગી ગઈ હતી. આ દરમિયાન બીજા પિરિયડના શિક્ષક ક્લાસરૂમમાં આવી ગયા હતા. એમણે ભાવિકને જણાવ્યું હતું કે, તું આંખ ધોઈ અને સુઈ જા. ત્યારબાદ હાજર મેડમે પ્રિન્સિપાલને આ બાબતની જાણ કરી હતી. એના પછી ભાવિકના વાલીને ફોન કરીને સ્કૂલ પર બોલાવ્યા હતા. જોકે આ ઘટના બાદ સ્કૂલ તરફથી બાળકને ઈજા થઈ હોવા છતાં પણ કોઈ પ્રાથમિક જવાબદારી લીધી ન હતી. એક કલાક ભાવિકને સુવડાવી રાખ્યો ઉઠાડીને તેને ચોપડી વંચાવી, જ્યારે ના વંચાયું. ત્યારે, તેના વાલીને જાણ કરવામાં આવી હતી. જોકે ગરીબ પરિવારનો આ એકનો એક દીકરો જેને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની પરિસ્થિતિ નહીં હોવાથી તાત્કાલિક તેના માતા પિતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા. જોકે આ વિદ્યાર્થી ભાવિકને ડાબી આંખમાં કીકીના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાઈ આવ્યું હતું. એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં તેના બે જેટલા ઓપરેશન થઈ ગયા છે. હવે વધુ સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે. દર બુધવારે પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યો છે. આ ઘટના બન્યા પછી અત્યાર સુધી સ્કૂલ પ્રશાસન દ્વારા આ વિદ્યાર્થી ભાવિકને કોઈ મદદ કરવામાં આવી નથી. ત્યારે આ ઘટનાની જાણ થતા આજરોજ વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર સહિત સભ્યો ઉમા વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી આ વિદ્યાર્થીને સારામાં સારા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગણી કરી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો સ્કૂલ સંચાલકો સામે કાનૂની જાહેર કરી કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી.